સુરતઃ કામરેજ તાલુકાના મોરથાણા ગામના ભરતભાઈ ઠાકોરભાઈ પટેલ પરિવાર સાથે સુરત શહેરમાં ડુમસ રોડ પર વીઆર મોલ પાસે સારથી રેસીડેન્સીમાં રહેતા હતા. ભરત પટેલ વર્ષો અગાઉ પરિવાર સાથે ન્યૂ જર્સીમાં સ્થાયી થયાં છે. તેમના બંને પુત્રો આકાશ અને અનિલ તેમજ આકાશની પત્ની નિશા (ઉં ૩૨) અને પુત્રી સચિ (ઉં ૮) સહિત પરિવાર સાથે ન્યૂ જર્સીમાં સેટ થયાં હતાં. થોડા સમય અગાઉ નવા મકાનની ખરીદી કરી હતી અને નવા મકાનના પાછળના ભાગે સ્વિમિંગ પુલ છે. સોમવારે અમેરિકાના સમય અનુસાર સાંજના સમયે સચિ સ્વિમિંગ પુલમાં નહાવા માટે ઉતરી હતી. રમતાં રમતાં સચિ સ્વિમિંગ પુલના વચ્ચેના ભાગે ઊંડા પાણીમાં ડૂબવા લાગી હતી. સચિએ બૂમો પાડતાં ઘરમાંથી દોડી આવેલી માતા નિશાબહેને પણ પુલમાં કૂદી પડતાં તે પણ ડૂબવા લાગ્યાં હતાં. પૌત્રી અને પુત્રવધૂની બૂમો સાંભળીને ભરતભાઈ દોડી આવ્યાં અને કશું વિચાર્યા વિના તેમણે પણ પુલમાં કૂદકો માર્યો હતો. ત્રણેય પાણીમાં ડૂબવા લાગ્યા હતા. સ્વિમિંગ પુલના વચ્ચેના ભાગે ૬ ફૂટથી વધુ ઊંડાઈ હોઈ ત્રણેય ડૂબી ગયા હતા.
અનિલ પટેલની પત્ની અમીબહેને સસરા સહિત ત્રણેયને ડૂબેલા જોતાં ધંધાર્થે બહાર ગયેલા પતિ અનિલ પટેલ તથા પોલીસને ફોન કર્યો હતો. બનાવની જાણ કામરેજ પંથકમાં લાલચુડા કડવા પાટીદાર સમાજમાં થતાં શોકની લાગણી ફરી વળી હતી.