સુરતઃ સુરતની વાનગીઓ દેશવિદેશમાં પ્રખ્યા છે. અહીંના ખમણ, ઘારી અને ઊંધિયાએ સ્વાદ રસિકોને ઘેલું લગાડ્યું છે. હવે અહીં ખમણની કેકનું ચલણ શરૂ થયું છે. સુરતની ભૂલકા વિહાર સ્કૂલના ટ્રસ્ટી કેતન વકીલનો ગત સપ્તાહે જન્મ દિન હતો. જે દિને કેતનભાઈનાં પત્ની મીતાબહેન સુરતી લોચા (બફાયેલા ખમણમાંથી બનતી વાનગી)ની કેક બનાવી હતી. કેતનભાઇને ખમણ ખૂબ જ પ્રિય છે. તેઓ દિવસમાં બેથી ત્રણ વાર તે ખમણ માણે છે. કેતનભાઇના ખમણ પ્રેમને જાણીને મીતાબહેને લોચામાંથી કેક બનાવી અને એ કેક પર આઇસિંગ તરીકે લીલાં મરચાં મુક્યા હતા. મીતાબહેને કહ્યું હતું કે ‘લોચાની કેક ગળી ન હોય, એ તો ખારી હોય. ખારી વાનગી સાથે મરચાં ખાવાની મજા આવે એટલે ડેકોરેશનમાં મરચાંનો વિચાર આવ્યો.’
ડેકોરેશનમાં મરચાં મૂક્યા એ પહેલાં એના પર ચીઝ અને મેયોનીઝની આછી લેયર બનાવી હતી. કેકનાં જે સ્ટેપ બનાવ્યાં હતાં એ બે સ્ટેપની વચ્ચે પણ આદુની પેસ્ટ અને ચિલી-પેસ્ટ મૂકી હતી, જેને કારણે સાદો લોચો પણ સ્વાદિષ્ટ બની ગયો. આ વિશેષ કેકને કાપવા માટે કેતનભાઇએ પોતાને ગમતી તલવારનો ઉપયોગ કર્યો હતો.