સુરત: રેલવે સ્ટેશનની ૧૦મી મેએ સાંજે ઉપડેલી પ્રયાગરાજ શ્રમિક સ્પેશિયલ ટ્રેનનો એન્જિનથી ત્રીજો કોચ જબલપુર પાસે છૂટો પડી ગયો હતો, પણ ટ્રેનની સ્પીડ ઓછી હોવાથી મોટો અકસ્માત થતાં ટળી ગયો હતો. જો કે ઘટનાને પગલે ટ્રેનમાં બેઠેલા શ્રમિકો જીવ તાળવે ચોંટી ગયા હતા. શ્રમિકોએ જણાવ્યું હતું કે, ટ્રેન જબલપુર સ્ટેશન પાસેથી ધીમેધીમે પસાર થઇ રહી હતી. તેવામાં જ કોચ અટકી પડ્યો હતો. જેથી દરવાજાની બહાર જઇ જોતાં જણાયું કે એન્જિનની સાથે જોડાયેલા શરૂઆતના ત્રણ કોચ આગળ જઇ રહ્યા છે. તે પછીના ૨૦ કોચ છૂટા પડી ગયા છે. જેને કારણે કોચ અટકી પડ્યા છે. કોચ છૂટો પડ્યોને એન્જિન ૧૫૦ મીટર જેટલું આગળ નીકળી ગયું હતું. આ અકસ્માતમાં ટ્રેનમાં બેઠેલા એકેય શ્રમિકને ઇજા થઇ નથી. જે પછી ટ્રેન ચાલકને આ વાતની જાણ થતાં એન્જિન રિવર્સ લઇ જવાયું હતું. જ્યાં ઇજનેરોની ટીમ આવી અને કોચને જોડ્યો હતો. જોકે, આ આખી ઘટનામાં બે કલાક જેટલો સમય ગયો હતો. રેલવે ઇજનેરોથી જણાવ્યું હતું કે કોચનું કપલિંગ તૂટી ગયું હતું.