સુરત: જિલ્લાના ઓલપાડ તાલુકામાં આવેલા પરિયા તેમાં બંધાયેલા પાતાળ કૂવાને લીધે જાણીતું બન્યું છે. આ ગામમાં ૧૦૦ વર્ષ પહેલાં એક કૂવો બાંધવામાં આવ્યો હતો. આ કૂવાને મંગળીયા કૂવા તરીકે ઓળખવામાં આવે છે. કૂવાનું નામ મંગળીયો એટલા માટે પડ્યું છે કે આ કૂવો મંગળવારના દિવસે છલકાઈ જાય છે. હાલમાં પણ મંગળવારના દિવસે પાણીમાં એકાએક વધારો થાય છે. જેમ દરિયામાં ભરતી આવે તે રીતે આ કૂવામાં પણ મંગળવારે પાણી વધે છે. આ કૂવાના પાણીનો ગામના લોકો પીવામાં ઉપયોગ કરે છે.
જોકે, કૂવાના પાણી મંગળવારના દિવસે કેમ વધારો થાય છે તેના વિશે કોઈ સંશોધન કરવામાં આવ્યું નથી. હાલ આ કૂવાની ઊંડાઈ વધારે હોવાથી પાણી કેટલા ફૂટ ઊંચે ચઢે છે તેના વિશે ચોક્કસ કહી શકાતું નથી, પરંતુ ગામના લોકો માને છે કે મંગળવારના દિવસે અન્ય દિવસો કરતાં વધારે પાણી આવે છે.
આ અંગેના ગામના સરપંચ શીલાબહેન દેસાઈ કહે છે કે મંગળીયો કૂવો ઐતિહાસિક અને ભોગોલિક મહત્ત્વ ધરાવે છે. કૂવામાં પાણી વધવાની ક્રિયા વર્ષોથી ચાલી આવી છે અને હાલ પણ પાણીમાં અચાનક વધારો થાય છે. કૂવાની ઊંડાઈ વધારે હોવાથી કોઈ કૂવામાં ઉતરી શકતું નથી. ભૌગોલિક વિશેષતા ધરાવતા ગુજરાતમાં અનેક સ્થળો આવેલા છે. આ મંગળીયો કૂવો પણ વિશેષ ભૌગોલિક મહત્ત્વ ધરાવે છે.