નવસારી: દોઢ વર્ષ અગાઉ માછલીની શોધમાં પાકિસ્તાનની જળ સીમામાં ઘૂસી જતા પકડાયેલા નવસારીના ૬ માછીમારોને પાકિસ્તાન સરકારે જેલ મુક્ત કરતા ૧૯ એપ્રિલે નવસારી પહોંચ્યા હતા.. માછી સમાજના આગેવાનોએ નવસારી રેલવે સ્ટેશને સ્વાગત કરી માછીમારોને આવકાર્યા હતા. ૨૦૧૭માં ઓખાની રાધિકા બોટમાં નવસારીના ૬ ખલાસી ગયા હતા. જેઓ ૧૧ નવેમ્બર, ૨૦૧૭ના રોજ વધુ માછલીની શોધમાં પાકિસ્તાનની જળ સીમામાં ઘૂસી જતા પાકિસ્તાન નેવીના હાથે ઝડપાયા હતા. જેમને પાકિસ્તાન નેવીએ ધરપકડ કરીને પાકિસ્તાની જેલમાં મોકલી આપ્યા હતા. દોઢ વર્ષથી પોતાના પરિવારજનોને મળવાની ઇચ્છા સાથે પાકિસ્તાનમાં સબળતા ૧૦૦ જેટલા માછીમારોને પાકિસ્તાન સરકારે છોડવાનો નિર્ણય કર્યો હતો. જેની યાદી ભારત સરકારને મોકલી હતી. જેમાં નવસારીના કાંઠાના ગામડાઓમાં રહેતા નયન ખલાસી, છબીલદાસ ખલાસી, બાબુ મણીભાઈ હળપતિ, રવજી મગનભાઈ હળપતિ, મોહન હળપતિ અને રાજેશ ટંડેલ પણ સામેલ હતા. જેઓને ગત ૧૬મી એપ્રિલે ૨૦૧૯ના રોજ પાકિસ્તાન સરકારે વાઘા બોર્ડરથી ભારત સરકારે સોંપ્યા હતા.