પાટીદાર વિસ્તારમાં તોફાનના ડરે ભાજપ પ્રમુખ સી. આર. પાટીલની રેલી રદ

Saturday 25th July 2020 07:39 EDT
 
 

સુરત: ગુજરાત ભાજપના પ્રમુખ સી. આર. પાટીલ સુરત આવવાના હતા ત્યારે તેમને આવકારવા માટે વિશાળ કાર રેલી યોજવા સુરત ભાજપે તમામ તૈયારીઓ કરી લીધી હતી, પણ શહેરના પાટીદારોની બહુમતીવાળા વિસ્તારો વરાછા, સરથાણા, કતારગામમાં રેલી દરમિયાન તોફાન થવાના ડરથી રેલી છેલ્લી ઘડીએ રદ કરાઈના સમાચાર ૨૪મી જુલાઈએ હતા. પાટીદારોના વિસ્તારમાં ભાજપે લગાડેલા બેનરો મોડી રાતે ફાડી નંખાયા હતા તેમજ બેનરો પર ભાજપના નેતાઓના ચહેરા પર કાળો કુચડો ફેરવી દેવાયો હતો. તેને લીધે રેલી જ રદ કરવી પડી હતી. ભાજપ પ્રદેશ પ્રમુખને આવકારવા માટે સુરત એરપોર્ટથી ભાજપ કાર્યાલય સુધી રેલીનું આયોજન સુરત શહેર ભાજપ દ્વારા થયું હતું. જોકે, બાદમાં રૂટમાં ફેરફાર કરીને રેલી વાલક પાટિયાથી શરૂ કરી પાટીદાર બહુમતીવાળા વિસ્તારો સરથાણા, વરાછા, કતારગામ થઇ પસાર કરવાનું નક્કી થયું હતું. આ રૂટ ઉપર બેનરો પણ લગાવી દેવાયા હતા.
તેથી આ રેલીને શક્તિપ્રદર્શન તરીકે જોવાઇ રહી હતી. વરાછા વિસ્તારમાં સમસ્ત પાટીદાર સમાજ વતી ભાજપ પ્રદેશ પ્રમુખને આવકારતા બેનર લગાવાયા હતા. દરમિયાન ૨૩મીએ મોડી રાતે વરાછા, સરથાણા સહિતના કેટલાક વિસ્તારોમાં ભાજપ પ્રદેશ પ્રમુખને આવકારતા બેનરો ફાડી નંખાયા હતા. આ ઉપરાંત બેનરોમાં નીતિન પટેલ સિવાય અન્ય ભાજપના નેતાઓના ચહેરા પર કાળો કલર પણ મારી દેવાયો હતો. કેટલાક વિસ્તારમાં રેલીના રૂટ ઉપર રેલીંગની આડશ મુકાઈ હતી. તેથી રેલી દરમિયાન તોફાને કે કોઇક છમકલું થાય તેવી સ્થિતિ જણાતા છેલ્લી ઘડીએ રેલીને રદ થઈ હતી.
વધુમાં કોરોનાના કેસોને કારણે કન્ટેઇનમેન્ટ ઝોન એવા કતારગામમાં પણ રેલીનો રૂટ રખાયો હોવાથી વિવાદ પણ થયો હતો. ભાજપની રેલી રદ્દ થયાં બાદ કેટલીક ચર્ચા જોરશોરમાં શરૂ થઈ ગઈ છે. તેમાં કેટલાક લોકોએ રેલી રદ્દ કરી સી. આર. પાટીલ વધુ માન ખાટી ગયાનું કહી રહ્યા છે. તો સોશિયલ મીડિયામાં કેટલીક પોસ્ટ એવી પણ હતી કે, દિલ્હીથી રેલી રદ્દ કરવા માટે સૂચના આવતાં રેલી રદ્દ કરવી પડી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter