સુરત નજીકના પાસોદરામાં ૨૩મી ઓક્ટોબરે અખિલ ભારતીય પાટીદાર સેનાની ૫૦૦થી વધુ પરિવારોની બેઠક મળી હતી. આ બેઠકમાં પાટીદાર સમાજને અનામત નહીં મળતા અન્ય ધર્મ અંગિકાર કરવા ૨૩મી ઓક્ટોબરે ૫૦૦ જેટલા અને ૨૪મીએ અન્ય ૩૫ જેટલા પાટીદાર પરિવારો આગળ આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ધર્મ પરિવર્તન માટે કલેક્ટરની મંજૂરી લેવી આવશ્યક છે. વળી નિયમ અનુસાર સવર્ણો ધર્મ પરિવર્તન કરે તો અનામતનો લાભ મળવાની શક્યતા ઓછી હોય છે. આથી અખિલ ભારતીય પાટીદાર સેનાએ કાનૂની સલાહ લીધા બાદ જે ધર્મમાં જવાથી અનામત મળે તે ધર્મ અપનાવવાનો નિર્ણય કર્યો છે.
શંકરાચાર્યને જાણ કરાઈ
અનામત નહીં મળવાના કારણે ૫૦૦ પાટીદારો હિંદુ ધર્મ ત્યાગી રહ્યા છે તેવો પત્ર અખિલ ભારતીય પાટીદાર સેના તરફથી ચારેય મઠના શંકરાચાર્યોને પણ પાઠવવામાં આવ્યો છે અને હાલમાં તો આ પરિવારોને ધર્મ પરિવર્તનનું પગલું ન ભરવા માટે સમજાવવા અનેક રાજકીય આગેવાનો અને ધર્મગુરુઓ આગળ આવ્યા છે.