સુરત: સૌરાષ્ટ્રના અને સુરતમાં વસતા ૧૫ લાખ પાટીદારોમાં પરિવર્તનનો ફૂંકાઈ રહ્યો છે. તેમણે હવે જરીપુરાણા નિયમોને તિલાંજલિ આપવાનું નક્કી કર્યું છે. પાટીદાર સમાજે રીતિરિવાજોને બદલીને સામાજિક સુધારની પહેલ કરી છે. આગામી દિવસોમાં તેની અસર દેશનાં ૨૭ કરોડ પાટીદારો પર પણ જોવા મળશે. નવા નિયમોમાં લગ્નો સાદાઈથી કરવા, દીકરીઓને અભ્યાસ સહિતની બાબતોમાં પ્રોત્સાહિત કરવા તથા સ્વજનના દેહાવસાન બાદ બેસણું દિવસે નહીં પણ રાત્રે રાખવા જેવા સુધારાઓ સામેલ છે.
પાટીદારોની સંસ્થા અખિલ ભારતીય કુરમી ક્ષત્રિય મહાસભાના ઉપપ્રમુખ રામજી ઇટાલિયાએ જણાવ્યું હતું કે પાટીદાર સમાજે રિવાજોમાં ઘણા પરિવર્તન કર્યા છે. સાદાઈથી લગ્ન કરવાથી નાણા અને સમયની બચત થાય છે. લગ્ન યોજાય ત્યારે પહેલા જ બંને પક્ષો પાસેથી વરઘોડો કે ડીજે નહીં વગાડવામાં આવશે એવું સંમતિપત્ર લખાવી લેવામાં આવે છે. પાટીદાર સમાજના આગેવાન રામજી ઇટાલિયા પોતે ધામધૂમથી પૌત્રીના લગ્ન કરાવી શકે એમ હોવા છતાં તેમણે ગત પાંચ જુલાઇએ કોર્ટમાં સાદાઈથી લગ્ન કરાવ્યા હતા.
ખર્ચની રકમ વર-વધૂને મળશે
પાટીદાર સમાજના આગેવાનોએ છેલ્લા વીસ વર્ષમાં રિવાજોમા પરિવર્તન કરવા માટે અનેક પ્રયાસો કર્યા છે. હવે ઘણી બાબતોમાં તેમને સફળતા મળી ગઈ છે. ખાસ કરીને લગ્નમાં વરઘોડો નહીં કાઢવાનો તેમજ ડીજે નહીં વગાડવા પર દસેક વર્ષ પહેલા ભાર આપવામાં આવ્યો હતો. હવે તેમાં ઘણી સળફતા મળી ગઈ છે. વરઘોડો અને ડીજે નહીં વગાડવાથી અવાજ અને વાયુનું પ્રદૂષણ નહીં થાય, રસ્તા પર ટ્રાફિક જામ થતો નથી.તેનાથી રૂપિયા અને સમયની બચત થાય છે. તે રૂપિયા વર-વધૂને આપી દેવાય છે.
બેસણું રાત્રે ૮ વાગ્યા પછી
સૌથી મોટું પરિવર્તન બેસણા બાબતે આવ્યું છે. પહેલા દિવસે બેસણું રાખવામાં આવતું હતું. દસેક વર્ષ પહેલા એવું નક્કી કરવામાં આવ્યું કે રાત્રે ૮ વાગ્યા બાદ બેસણું રાખવામાં આવે. જેથી દિવસે કોઈ નોકરી પર હોય તો તેને રજા ન પાડવી પડે, કોઈનો ધંધો-વેપાર હોય તો વેપાર બંધ ન રાખવો પડે. રાત્રે ૮ વાગ્યા બાદ બેસણું હોય તો કોઈને રજા ન પાડવી પડે કે વેપાર બંધ ન રાખવો પડે. જેના ઘરે બેસણું હોય તેનો પણ આખો દિવસ બેસણામાં નહીં વપરાય.