વાપીઃ આજના જમાનામાં મોટાભાગના લોકો પોતે કરેલા સખાવતી કાર્યોનો ઢંઢેરો પીટતા હોય છે પણ સમાજમાં એવા લોકો પણ છે વગર ચર્ચાએ સમાજસેવા કરે છે. વાપી શહેરના પશ્ચિમ ભાગના રહીશો માટે એક સજ્જને દોઢ કરોડ રૂપિયાની કિંમતી જમીન દાનમાં આપી છે. આ દાતા બીજું કોઇ નહીં પણ પરાગભાઇ ખંડુભાઇ દેસાઇના પૌત્ર અમુલભાઇ રમણલાલ દેસાઇ છે. આ પરિવાર સમાજને મદદરૂપ થવાની પરંપરા ધરાવે છે. અમુલભાઇના દાદાએ પણ વર્ષ ૧૯૫૮માં પીટીસી કોલેજ માટે હાઇવેની બાજુમાં જમીન દાનમાં આપી હતી.
અમુલભાઇએ આ અંગે મીડિયાને જણાવ્યું હતું કે, ‘લોકોને પીવાના પાણીની આવશ્યકતા હતી અને પાલિકાને જમીનની જરૂરિયાત હતી. એટલે જમીન દાનમાં આપી એમાં મારો ઇન્ટરવ્યુ છાપવાની કોઇ જરૂર નથી.’ જોકે, થોડું સમજાવ્યા બાદ તેઓ સંમત થતા જણાવ્યું કે, પારૂલ દેસાઇ જ્યારે પાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસર આર.આર. દેસાઇ હતા ત્યારે દેસાઇવાડ, આરી ફળિયા તથા અન્ય વિસ્તારમાં પીવાના પાણી પહોંચાડવા માટે ટાંકી અને સમ્પ બનાવી શકાય એવી જગ્યા શોધી રહ્યા હતા. જો જમીન ન મળે તો સરકારી ભંડોળ પરત જઇ શકે એમ હતું. આ વાત તેમના ધ્યાન ઉપર આવતા તેમણે નગરપાલિકાને નાયકવાડમાં આવેલી જમીન જોવા કહ્યું હતું. આખરે પાલિકાની ટીમે જમીન પસંદગી કરતા ૧૧ ગુંઠા જમીન જેની અત્યારે બજાર કિંમત અંદાજે રૂ. ૧ કરોડ ૫૦ લાખ ગિફ્ટડીડથી પાલિકાને ઓવર હેડ ટાંકી તથા સમ્પ બનાવવા માટે આપી છે.