વ્યારાઃ સુરત તથા પૂણેમાં જ ચાલતી સ્પેશ્યલ પારસી ડિસ્ટ્રીક્ટ મેટ્રીમોનિયલ કોર્ટ તથા પારસી જ્યુરી દ્વારા ભારતમાં સૌ પ્રથમ વાર પતિના ત્રાસથી છૂટાછેડા માગતી પત્નીની અરજી મંજૂર કરાઈ છે. સુરત ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ, સ્પેશ્યલ પારસી ડિસ્ટ્રીક્ટ મેટ્રીમોનિયલ કોર્ટના જજ આર. કે. દેસાઈ તથા પારસી જ્યુરીના પાંચ સભ્યોની સમિતિ દ્વારા સુઓમોટો વાપરીને સગીર પુત્રીના હિત અને કલ્યાણને ધ્યાને લઈને તેની કસ્ટડી માતાને આપી છે.
વ્યારાના મહેરાઝબહેનના લગ્ન ૨૦૦૯, ડિસેમ્બરમાં સુરત નિવાસી માર્શલભાઈ સાથે થયાં હતાં. બેંકમાં નોકરી કરતા પારસી દંપતીના લગ્નજીવનથી એક પુત્રીનો જન્મ થયો હતો. મહેરાઝબહેન લગ્ન અગાઉથી બેંક કર્મચારી હોવાથી ટ્રાન્સફર ન થાય ત્યાં સુધી પિયર રહેશે તેવું બંને પક્ષે નક્કી થયું હતું. છતાં પતિ અને સાસરિયા દ્વારા પરણિતાને સાસરામાં રહેવા દબાણ કરાતું. માર્ચ-૨૦૧૦માં પતિએ સુરતના પાલમાં ફ્લેટ બુક કરાવ્યો તે માટે પત્ની પાસે રૂ. ૧૦ લાખની માગ કરીને ત્રાસ શરૂ કર્યો હતો. ઓગસ્ટ-૨૦૧૧માં મહેરાઝબહેનને ટ્રાન્સફર મળતાં સંયુક્ત કુટુંબમાં રહેવા આવ્યા બાદ તેમને પુત્રજન્મ થાય તે માટે તાંત્રિક વિધિ કરાવાતી હતી. ભુવાને માનતા પતિ-સાસરિયાઓ મહેરાઝબહેનને ત્રાસ આપતા હતા. પુત્રીનો જન્મ થતાં પુત્રીનાં ઉછેર માટે પૈસા પણ નહીં આપીને મહેરાઝબહેન સાથે તકરાર કરતા હતા. અંતે પતિ-સાસરિયાઓનાં ત્રાસથી કંટાળીને મહેરાઝબહેને ઓક્ટોબર-૨૦૧૭માં પિયરના આશરે રહીને પારસી એક્ટ હેઠળ પ્રીતિબહેન જોશી મારફત છૂટાછેડાની માગ કરી હતી. આ કેસનો ચુકાદો તાજેતરમાં આવ્યો છે.
પારસી કોમમાં છૂટાછેડા મંજૂર થયાનો સંભવતઃ પ્રથમ કિસ્સો
પારસી મેટ્રીમોનિયલ કોર્ટના જજ આર. કે. દેસાઈ તથા પારસી જ્યુરી ડેલિગેટ્સ દસ્તુર ફારૂક કેરસી રૂવાલા, પરવીન કરંજિયા, દારાયસ દસ્તુર, ફારુખ ઘીવાલા, યાસ્મિન જમરેશ દોટીવાલા સમક્ષ આ કેસની અંતિમ સુનાવણી થઈ હતી. રેકર્ડ પરના પુરાવા તથા કેસની કાર્યવાહી બાદ છુટાછેડાની અરજી મંજૂર થઈ હતી. સંભવતઃ પારસી કોમના ઈતિહાસમાં સૌ પ્રથમવાર પાંચ જ્યુરી મેમ્બર્સની હાજરીમાં પતિ-પત્નીના છુટાછેડાના કેસનો ચુકાદો પારસી મેટ્રીમોનિયલ કોર્ટે આપ્યો હોવાનું કહેવાય છે.
સુરત અને પૂણેમાં સ્પેશ્યલ કોર્ટ
દક્ષિણ ગુજરાતના સંજાણ બંદરેથી ભારતમાં વસેલી પારસી કોમ ૧૮૫૩થી અલાયદો કાયદો ધરાવે છે. સુરતમાં ૩૪ વર્ષ પહેલાં સૈયદપુરામાં શહેનશાહી આતશ બેહેરામમાં મળેલી અંજુમનમાં નવેસરથી પારસી જ્યુરીના પાંચ સભ્યો ચૂંટી પારસી મેટ્રીમોનિયલ કોર્ટ શરૂ કરાઇ હતી. ૩૪ વર્ષોથી જ્યુરીના દસ્તુર તરીકે કાર્યરત ફારુક કેરસી રૂવાલાએ કહયું કે, સુરત ઉપરાંત વડોદરા, વલસાડ, નવસારી, બિલીમોરા તથા મુંબઈ એમ દરેક શહેર માટે આ જ્યુરીના સભ્યો પ્રતિનિધિત્વ ધરાવે છે. દેશ કે વિદેશમાં કોઈપણ સ્થળે રહેતા પારસી કોમના લોકોના લગ્નજીવન વિષયક તકરાર અંગેના કેસો દેશમાં માત્ર સુરત તથા મહારાષ્ટ્ના પુણે ખાતે કાર્યરત સ્પેશ્યલ પારસી મેટ્રીમોનિયલ કોર્ટમાં જ પારસી લો મુજબ પારસી જ્યુરીના સભ્યોની ઉપસ્થિતિમાં જ ચાલી શકે છે. ઉલ્લેખનીય છે કે હાલમાં સુરતની પારસી મેટ્રીમોનિયલ કોર્ટમાં ૧૮ કેસ પેન્ડિંગ છે.