પારસીઓના કાશી ઉદવાડામાં ઇરાનશા ઉત્સવ ઉજવાયો

Wednesday 06th January 2016 08:44 EST
 
 

વલસાડઃ જિલ્લાના ઉદવાડામાં ૨૫મી ડિસેમ્બરથી ૨૭મી ડિસેમ્બર સુધી પારસીઓનો ઇરાનશા ઉદવાડા મહોત્સવ યોજાયો હતો. જેમાં દેશ સહિત દુનિયાભરના પારસીઓ ઉપસ્થિત રહ્યા હતા. નોંધનીય છે કે વિશ્વભરના પારસીઓમાંથી એક તૃતીયાંશ પારસીઓ એટલે કે પાંચ હજાર જેટલી સંખ્યામાં પારસીઓએ આ ઉત્સવ રંગેચંગે ઊજવ્યો હતો. અને આશરે એક હજાર યહૂદીઓ આ ઉત્સવનો હિસ્સો બન્યા હતા.
આ મહોત્સવ એટલા માટે પણ મહત્ત્વનો હતો કે ઉદવાડા ઉત્સવમાં રાજ્ય સરકારના પ્રધાનોથી લઇને કેન્દ્ર સરકારના નાણા પ્રધાન અરુણ જેટલી અને દેશના અગ્રણી ઉદ્યોગપતિ રતન તાતા સહિતના અનેક મહેમાનો અહીં ઉપસ્થિત રહ્યા.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી જયારે ગુજરાતના મુખ્ય પ્રધાન હતા વખતે વર્ષ ૨૦૧૧માં તેમણે ઉદવાડાની મુલાકાત લીધી હતી અને પારસીઓએ નરેન્દ્ર મોદીનું વિશેષ સન્માન કર્યું હતું તે વખતે નરેન્દ્ર મોદીએ પારસીઓને દુનિયાભરના પારસીઓ મળીને યાદગાર ઉત્સવ મનાવે અને પારસીઓની સંસ્કૃતિથી દુનિયાનો પરિચય કરાવે તેવું પારસી અગ્રણીઓને સૂચન કર્યું હતું. આ પહેલાં પણ વર્ષ ૨૦૦૮માં મોદી અમદાવાદમાં આવેલી કામા હોટેલમાં સાયરસ પૂનાવાલાને મળ્યા ત્યારે તેમણે સૂચન કર્યું હતું કે, ઉદવાડામાં પારસીઓનું વૈશ્વિક સ્તરનો એક ઉત્સવ થવો જોઈએ. મોદીના સૂચનને અનુસરીને જ પારસીઓએ ઇરાનશા ઉદવાડા ઉત્સવ ઉજવ્યો હતો.
ઉદવાડા વિશ્વભરમાં વસતા પારસીઓનું સૌથી મોટું ધર્મસ્થળ છે અને દરેક પારસી માટે ઉદવાડાના પાક ઇરાનશાને માથું ટેકવવું એ સૌભાગ્ય માનવામાં આવે છે. આ પ્રસંગે ઉદવાડાની તમામ શેરીઓને નવદુલ્હનની જેમ શણગારવામાં આવી હતી અને આ ઉત્સવમાં સતત ૩ દિવસ સુધી પારસી સંસ્કૃતિની ઝાંખી કરાવતા અનેક સંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા.
જેમાં માત્ર પારસી કલાકારોએ જ ભાગ લઇને સૌનું મનોરંજન કર્યું હતું. આ કલાકારોમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા અભિનેતા બોમન ઈરાનીનો પણ સમાવેશ થતો હતો.
ઉદવાડા ઉત્સવના સમાપન સમારોહમાં કેન્દ્રના નાણાં અને માહિતી-પ્રસારણ વિભાગના પ્રધાન અરુણ જેટલી, ઉદ્યોગજગતના પિતામહ રતન ટાટા ઉદ્યોગપતિ ડો. સાયરસ પૂનાવાલાની વિશેષ ઉપસ્થિતિ હતી. જેમાં રતન ટાટા અને ડો. સાયસર પૂનાવાલાનું પારસી સમાજ અને રાષ્ટ્રના વિકાસમાં આપેલા અમૂલ્ય યોગદાન માટે કેન્દ્રના નાણા પ્રધાન અને વડા દસ્તૂરજીના હસ્તે શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.
આ અવસરે જેટલીએ જણાવ્યું હતું કે, પ્રતિકૂળ વૈશ્વિક સંજોગો વચ્ચે ભારત સૌથી વધુ ઝડપથી વિકસતાં અર્થતંત્ર તરીકે રાજ્યોની આગળ નીકળી જવા માગે છે ત્યારે આ વિકટ લક્ષ્યને સર કરવા માટે દેશને પારસી સમુદાયમાંથી હજી વધુ ઉદ્યોગ આગેવાનોની જરૂર છે.
પારસી સમાજના ગૌરવવંતા ઇરાનશાહ ઉદવાડા ઉત્સવના સમાપન સમારોહને સંબોધતા કેન્દ્રના નાણા પ્રધાને જણાવ્યું હતું કે, વિશ્વ જ્યારે વૈશ્વિકરણ તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે રાષ્ટ્રને રતન ટાટા જેવા ઉદ્યોગપતિઓના નેતૃત્વની તાતી આવશ્યકતા છે. રતન ટાટાએ ઉદ્યોગજગતમાં તેમની નીતિમત્તા, પ્રમાણિકતા અને લીડરશિપ વડે ઉદ્યોગજગતમાં આગવી શાખ ઊભી કરી છે. તેને સૌએ અનુસરવાની આવશ્યકતા પર નાણા પ્રધાને વિશેષ ભાર મૂકયો હતો.
સ્વ. વીલુ પૂનાવાલા અને ગુજરાત સરકારના સૌજન્ય વડે પારસી સમાજની સંસ્કૃતિને ઉજાગર કરતા યોજાયેલા ઇરાનશાહ ઉદવાડા ઉત્સવમાં નાણા પ્રધાને જણાવ્યું હતું કે, પારસી સમાજ સાથે મારો આત્મીય ઘરોબો રહ્યો છે. પારસી સમાજની સંસ્કૃતિ અને ધર્મનું સ્થાનક ઉદવાડાની ઓળખ ભારત પૂરતી સીમિત ન રહી, વૈશ્વિક બની છે. પારસી સમાજનું ઉદ્યોગ, શિક્ષણ, વિજ્ઞાન સહિતના તમામ ક્ષેત્રોમાં યોગદાન રહ્યું છે. પારસી સમાજના ઐતિહાસિક વારસાના જતન માટે કેન્દ્ર-રાજ્ય સરકાર ચોક્કસ સહયોગ આપશે. રતન ટાટા, ડો. સાયરસ પૂનાવાલા, બ્રિગેડિયર માણેકશા જેવા પારસી વિરલાઓએ પારસી સમાજને વૈશ્વિક ઓળખ આપી છે.
સિરમ ઇન્સ્ટિટયૂટ ઇન્ડિયાના ચેરમેન ડો. સાયરસ પૂનાવાલાને તેમની ધર્મપત્ની સ્વ. વીલુ પૂનાવાલાની સ્મૃતિમાં ઇરાનશાહ ઉદવાડા ઉત્સવને સમર્પિત કરવા બદલ નાણા પ્રધાને સમાજ પ્રત્યેની તેમની ભાવના-લાગણીને બિરદાવી હતી. જેટલીએ જણાવ્યું હતું કે, વિશ્વના લાખો બાળકોને જીવનરક્ષક દવાઓ પૂરી પાડીને બાળકોની જિંદગી બચાવી, સમાજને વૈશ્વિક સાથે સામાજિક ઓળખ ઊભી કરી છે.
ઉદ્યોગજગતના પિતામહ પારસી સમાજના અગ્રણી પદ્મભૂષણ રતન ટાટાએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રના અને સમાજના વિકાસમાં પારસી સમાજે લીડરશિપ આપી છે. પારસી સમાજ પ્રત્યે ગૌરવ છે. આ ગૌરવ સદાય જળવાઇ રહે તે માટે રાષ્ટ્રના વિકાસમાં સૌએ ભાગીદાર બનતા રહેવું જોઈએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter