વલસાડઃ પાલિકાની સામાન્ય સભામાં ૩૦મી ઓક્ટોબરે રસ્તા, પાણી, ગટર તથા પાવરબ્લોકના લાખો રૂપિયાના કામો મંજૂર કરવાની કાર્યવાહી થઈ. આ પછી શોપિંગ સેન્ટર તથા માર્કેટની આવક પર સર્વિસ ટેક્સનું રિટર્ન ફાઈલ નહીં કરવા બાબતે વિરોધ થયો અને લેટ પેમેન્ટ ચાર્જીસમાં મોટી રકમ ભરવાના મામલે જવાબદાર કર્મચારી પાસેથી રકમ વસૂલવાની માંગ થઈ. જેમાં પાલિકા પ્રમુખ સોનલ સોલંકી તથા ચીફ ઓફિસર જગુ વસાવાએ જવાબદારી નક્કી કરવાની ખાતરી આપી. આ સભા પૂર્ણ થયા બાદ તમામની હાજરીમાં અચાનક કાયદા કમિટીના ચેરમેન પ્રવીણ ભાનુશાલીએ મંચ પાસે આવીને ‘ભ્રષ્ટાચાર બંધ કરો’ના નારા સાથે શર્ટ કાઢીને મંચ પર ફેંક્યું. પાલિકા પ્રમુખ અને સભા અધ્યક્ષ સોનલબહેન સોલંકી સહિતના સભ્યોને પ્રવિણભાઈએ આવું કેમ કર્યું તે સમજાયું નહીં. દરમિયાન, અમુક સભ્યોએ પ્રવીણભાઈને સમજાવતાં મામલો થાળે પડ્યો હતો.
કોંગ્રેસને વોટ આપવાનું કહેનાર ભાજપના ધારાસભ્ય સામે ગુનો નોંધાયોઃ સરથાણાના પાસોદરા ગામે પાટીદારોના સમર્થન માટે જાહેરમાં પોતાની પાર્ટી વિરુદ્ધનું ભાષણ કરીને અન્ય પક્ષ કોંગ્રેસને મત આપવાનું વિનેદન કરનારા ધારાસભ્ય નલીન કોટડિયા વિરુદ્ધ સરથાણા પોલીસે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કર્યો છે. ૨૯મી ઓક્ટોબરે ભાજપના ધારીના ધારાસભ્ય નલીન કોટડિયાએ પાસોદરા ગામે સભા સંબોધતાં કહ્યું હતું કે, જેણે માનું દૂધ પીધું હોય એ કોંગ્રેસને વોટ આપે.
નવજાત શિશુના અપહરણથી સિવિલ સિક્યુરિટી એજન્સીને નોટિસઃ માતાના પડખામાં સૂતેલા પાંચ દિવસના નવજાત બાળકનું ૨૭મી ઓક્ટોબરે ધોળે દિવસે અપહરણ થવાના ચકચારી પ્રકરણમાં નવી સિવિલ હોસ્પિટલના વહીવટી તંત્રએ શક્તિ સિક્યુસિટી એજન્સીને નોટિસ ફટકારી છે. આ ઉપરાંત સઘન સુરક્ષા માટે વધુ આઠ સિક્યુરિટી ગાર્ડ હોસ્પિટલમાં મુકાશે તેવું હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. મહેશ વાડેલે જણાવ્યું હતું.
પ્રસિદ્ધ શાસ્ત્રીય સંગીતકાર ભીખુભાઈ ભાવસારનું નિધનઃ વલસાડના મેવાતી ઘરાનાના શાસ્ત્રીય સંગીતના પ્રસિદ્ધ ગૌરવવંતા કલાકાર ભીખુ ભાવસારનું ૮૭ વર્ષની વયે ટૂંકી માંદગી બાદ પહેલી નવેમ્બરે નિધન થયું હતું. તેઓ ૬૫ વર્ષથી આકાશવાણી, દૂરદર્શનના ઉચ્ચ કક્ષાના કલાકાર રહ્યા હતા. સંગીત ક્ષેત્રે ભગીરથ કાર્ય કરવા માટે ૧૯૫૬માં કલાયતન નામની સંસ્થાનો પ્રારંભ કર્યો હતો. તેમને ગુજરાત સરકારના ગૌરવ પુરસ્કારથી સન્માનિત પણ કરાયા હતા.