સુરતઃ જનરલ હોસ્પિટલમાં આઈસીયુ વિભાગના ડો.ધર્મેશ ચૌહાણને ફરજ દરમિયાન પિતાના મૃત્યુના સમાચાર મળ્યા હોવા છતાં ૧૦ કલાક સુધી ચાર ક્રિટિકલ દર્દીની સારવાર કરી હતી. આઇસીયુ વોર્ડમાં દાખલ પિતાની સારવાર પણ ડો. ધર્મેશ જ કરી રહ્યા હતા. ફરજ પૂરી કર્યા બાદ તેમણે પિતાની અંતિમ વિધિ કરી હતી
ડો. ધર્મેશ ચૌહાણે જણાવ્યું કે, એ સમયે મેં વિચાર્યું હતું કે હું પિતાજીનો જીવ ન બચાવી શક્યો, પરંતુ અન્ય દર્દીઓની તો મારે સારવાર કરવી જ જોઈએ, જેથી મેં કંઈપણ વિચાર કર્યા વગર દર્દીઓની સારવાર કરવાનું નક્કી કર્યુ. એ સમયે ચાર દર્દીની તબિયત એકદમ ખરાબ હતી. રડતાં રડતાં જ મેં દર્દીઓની સારવાર શરૂ કરી હતી. સવાર આઠ વાગ્યા સુધી સારવાર કર્યા બાદ પિતાજીની અંતિમવિધિ કરી હતી. આજે એ ચારેય દર્દીની હાલત સ્ટેબલ છે અને જનરલ વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.