સુરત: બમરોલી રોડ પર જિતેશ ટેક્ષટાઇલ નામે કાપડનું કારખાનું ધરાવતા અને અલથાણ ગામની શૃંગલ રેસિડેન્સીમાં રહેતા પ્રહલાદભાઇ ત્રિભોવનદાસ પટેલ (ઉં. ૭૦) ૧૪મી મેએ કીમ મશીન લેવા ગયા પછી ઘરે આવ્યા નહીં. આ અંગે તેના પુત્ર જિતેશે ૧૪મી મેએ પાંડેસરા પોલીસમાં જાણ કરી હતી. એ પછી કેસ ક્રાઈમબ્રાંચને સોંપાયો અને ક્રાઈમબ્રાંચની ટીમે સીસીટીવી કેમેરાની ફૂટેજ અને પૂછપરછ કરીને જિતેશનું નિવેદન લીધું. જેમાં જિતેશે કહ્યું કે, તેણે કારખાનેથી પિતાને બાઈક પર બેસાડીને અખબાર નગર સર્કલ ઉતાર્યાં હતાં.
જોકે, પોલીસે સીસીટીવી ચેક કરતાં જણાયું કે જિતેશ પિતાને ભાઠે લઈ ગયો હતો. એ પછી જિતેશની આગવી ઢબે પૂછપરછ કરાઈ ત્યારે જિતેશે કબૂલ કર્યું કે, પરિવારમાં અને ધંધામાં પિતા સાથે વારંવાર ઝઘડો થતો હોવાથી ચાની લારીવાળા સંજય તુકારામ અને સલીમ હજરત શેખને રૂ. ૧૦ લાખની સોપારી આપીને પિતાનો કાંટો કાઢવાનું નક્કી કર્યું હતું.
એ મુજબ ભાઠેના ૪ કૃણાલ ઇન્ડસ્ટ્રીઝ એસ્ટેટમાં પિતાની હત્યા કરાવી તેમની લાશ ત્યાં દાટી દીધી હતી. આ કારખાનું તેણે વીસ દિવસ પહેલેથી ભાડે રાખ્યું હતું. જિતેશે ગુનો કબૂલ કરતાં પોલીસે વૃદ્ધની લાશ જમીનમાંથી બહાર કાઢીને ફોરેન્સિક તપાસ માટે મોકલી આપી હતી. પોલીસે કહ્યું કે, મૂળ વિસનગર તાલુકાના અને કાશાગામના અને સુરતના કારખાનેદાર વૃદ્ધ પ્રહલાદભાઈ પટેલની પૂર્વઆયોજિત હત્યાના કેસમાં પુત્ર જિતેશ અને અન્ય એકની ધરપકડ કરાઈ હતી.