સુરતઃ બારડોલી રોડ ઉપર આવેલા ગુરુકુળ સુપા પાસે ચોથી ફેબ્રુઆરીએ સાંજે નવસારીથી ઉકાઇ જતી સ્ટેટ ટ્રાન્સપોર્ટની કુલ ૬૬ મુસાફરોને લઇ નીકળેલી બસ લગભગ સાડા ચારેક વાગ્યે પૂર્ણા નદીના બ્રિજ પાસે પહોંચી હતી. અહીં રોડ ઉપર વળાંક બાદ બ્રિજ શરૂ થાય છે. ટર્ન લઇને બસ બ્રિજ પરથી પસાર થતી હતી ત્યારે રોંગ સાઈડમાં આવતી ત્રિપલ સવારી બાઇકને જોઈને બસનો ડ્રાઈવર મુંઝાયો અને બસ સ્પીડમાં હોવાથી તે તુરત નિર્ણય ન લઈ શકતાં સ્ટિયરિંગ પરથી કાબૂ છૂટી ગયો. બસની ગતિને કારણે સિમેન્ટની તકલાદી રેલિંગના ભૂક્કા બોલી ગયા અને બસ ચાલીસ ફૂટ નીચે પૂર્ણા નદીમાં ખાબકી ગઈ હતી. આ ઘટનામાં ૪૨ મુસાફરોનાં મોત નીપજ્યા અને ૨૩ પ્રવાસીઓ ઇજાગ્રસ્ત થયા અને ત્રણ લાપતા છે. ડ્રાઈવરનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ સમાચાર મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલને મળતાં છઠ્ઠી ફેબ્રુઆરીએ તેઓએ નવસારીમાં ઘાયલોની પૂછપરછ કરી હતી.
સરકાર દ્વારા આ ગોઝારા અકસ્માત બાદ મૃત્યુ પામેલા મૃતકોના પરિવારને રૂ. ૪ - ૪ લાખની સહાય કરવાની જાહેરાત કરવામાં આવી છે.
આ ઉપરાંત રાજ્ય આરોગ્ય પ્રધાન વિજય રૂપાણીએ કહ્યું છે કે નવસારીની હોસ્પિટલ્સમાં આ અકસ્માતમાં ઘાયલ તમામ દર્દીઓને સરકાર તરફથી નિઃશુલ્ક તબીબી સહાય મળશે.