સુરતઃ બમરોલીમાં પરેશ (નામ બદલ્યું છે) ૮મી મેએ રાત્રે ઘરની બહાર સૂતો હતો ત્યારે તેના ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકાયા હતા. પરેશને સિવિલમાં ખસેડાયો હતો. પોલીસે આ કેસમાં તપાસ કરી તો જાણવા મળ્યું કે પરેશ પર તેની વૃદ્ધ માતાએ જ હુમલો કર્યો હતો.
ખટોદરા પોલીસે જણાવ્યું કે, પરેશની માતાએ પોલીસ મથકમાં કબૂલ કર્યું હતું કે તેણે જ પુત્ર પર હુમલો કર્યો હતો. માતાએ પોલીસને કહ્યું કે, પરેશ (ઉં. વ. ૪૦)ના ત્રણ-ત્રણ લગ્ન થયાં હતાં. ત્રણેય પત્નીઓ સાથે તેના છૂટાછેટા થઈ ગયા હતા. પરેશ કોઈ કામધંધો પણ કરતો નથી. વૃદ્ધાવસ્થામાં પરેશ તેનો આધાર બનવો જોઈતો હતો, તેની જગ્યાએ તેના ભરણ પોષણની જવાબદારી પણ ઘરડી માતાના માથે હતી. પોતે ભંગાર વીણીને બંનેનું ગુજરાન ચલાવતી હતી. જે થોડા ઘણા મજૂરીના પૈસા મળે તેમાંથી પરેશ દારૂ પી જતો હતો.
માતાએ વિવશતાથી કહ્યું કે, છેલ્લા એક વર્ષથી તે તેમની સાથે બીભત્સ હરકતો કરતો હતો. અડધી રાત્રે તેમની બાજુમાં આવીને સૂતો અને તેમની છેડછાડ કરતો હતો. જો તેઓ વિરોધ કરે તો જાહેરમાં ગાળો ભાંડતો હતો.
વૃદ્ધાએ પોલીસને કહ્યું કે, કોઈ પણ સંજોગોમાં તેમની આબરૂ દાવ ઉપર લાગતી હોવાથી મેં તેનું ગળું કાપી નાંખ્યું હતું. આ કેસમાં અંતે કળયુગના કપૂતની હત્યાના પ્રયાસના ગુનામાં ખટોદરા પોલીસે ભારે હૈયે માતાની ધરપકડ કરી હતી.