બારડોલી: વણેસા ગામના લુહાર ફળિયામાં રહેતા નિશિત રાજેશ પટેલે તેના અઢી વર્ષના પુત્ર નિવને મિંઢોળા નદીના પુલ પરથી નદીમાં ફેંકી દીધો હતો. આ કેસમાં નિશિત રોજ નિવેદન બદલી રહ્યો છે. નિવનું અપહરણ કરી તેની લાશ નદીમાં ફેંકી દેવાઈ હોવાની વાર્તા નિશિતે કરી હતી. એ પછી પોલીસને અપહરણકારો અંગે કોઇ કડી ન મળતાં નિવના માતાપિતાની કરેલી પૂછપરછમાં નિશિતે કહ્યું કે, પોતે બ્રિજ પર ઉભો હતો ત્યારે નિવ હાથમાંથી છટકીને નદીમાં પડી ગયો હતો.
એ પછી પોલીસને નિશિતનાં નિવેદનો શંકાસ્પદ લાગતાં તેની પત્ની બ્રેનાની હાજરીમાં નિશિતની આકરી પૂછપરછમાં નિશિતે સ્વીકાર્યું હતું કે તેણે જ નિવને ‘લવ યુ બેટા, જય શ્રી કૃષ્ણ’ કહીને નદીના પુલ પરથી ફેંકી દીધો હતો. તેને શંકા હતી કે નિવ તેનો દીકરો નથી. કોઈ અન્યના લોહીને વારસાઈ હક ન મળે તેવી માન્યતા સાથે તેણે નિવને કોથળામાં ભરીને નદીમાં ફેંકી દીધો હતો. નિશિતે જણાવ્યું કે, નિવની હત્યા માટે નિશિતે અગાઉથી મિંઢોળાના પુલની રેકી પણ કરી હતી. જોકે નિવનો મૃતદેહ હજી મળ્યો નથી તો બીજી તરફ સોશિયલ મીડિયા અને જાહેર દેખાવોમાં હત્યારાને કડકમાં કડક સજા ફટકારવાની ઝુંબેશ ચાલે છે. જસ્ટિસ ફોર નિવ નામનું એકાઉન્ટ કહો કે વોલ બનાવી લોકો આ અંગે ટિપ્પણી કરી રહ્યા છે તો રાજકીય-સામાજિક આગેવાનોને પત્રો પણ લખાયા છે. રવિવારે ૪.૩૦ કલાકે બારડોલી મેઈન રોડ પર બાઈક રેલી કાઢીને લોકોએ પોલીસને આવેદનપત્ર પણ આપ્યું હતું અને સાંજે ૭:૦૦ કલાકે કેન્ડલમાર્ચ અને મશાલ રેલી કાઢી માસૂમ બાળકની હત્યા કરનારાને કડકમાં કડક સજા થાય તેવી માગ કરી હતી.
મૃતદેહનો પત્તો નહિ
આ ઘટનાને ૬ દિવસ થયા છતાં ૨૪મી સુધી નિવનો મૃતદેહ મળ્યો નથી. નિવના મૃતદેહને શોધવા પોલીસે અલગ-અલગ પાંચ ટીમ બનાવી છે. ૧૦-૧૦ની એક એમ એવી પાંચ અલગ-અલગ ટીમોએ દૂર-દૂર સુધી નદી કાંઠે શોધખોળ હાથ ધરી છે. ઉપરાંત પોલીસે એ પણ તપાસ શરૂ કરી છે કે નિશિતે ખરેખર નિવને ફેંક્યો છે કે લાશને અન્ય કોઇ જગ્યાએ સગેવગે કરી છે?
નિશિતનો લાઇ ડિટેક્શન ટેસ્ટ
રિમાન્ડ વખતે પણ પૂછપરછમાં વારંવાર નિવેદન બદલતા નિશિત પાસેથી હકીકત જાણવા માટે નિશિતનો લાઇ ડિટેક્શન ટેસ્ટ કરાવાશે તેવું પોલીસે જણાવ્યું છે