સુરત: પાર્લે પોઇન્ટ પર ચાર માળનું જર્જરિત વિશાળ દર્શન એપાર્ટમેન્ટ સાતમી મેએ મોડી રાત્રે ધરાશાયી થઈ ગયું હતું. સદનસીબે એપાર્ટમેન્ટમાં રહેતા તમામ ૪૦ રહીશ સહીસલામત બહાર નીકળી ગયા હતા, પરંતુ આ ફ્લેટનો કાટમાળ ખસેડતાં તેમાંથી રૂ. ૩.૫ કરોડના હીરા અને રૂ. ૧ કરોડ રોકડા મળી આવ્યા હતા. આ ફ્લેટમાં મોટાભાગના રહીશો ડાયમંડના ધંધા સાથે સંકળાયેલા છે. જોકે આ ફ્લેટના કાટમાળ નીચે કરોડો રૂપિયાના ડાયમંડ, હીરાજડિત દાગીના અને રોકડ સહિત અગત્યના ડોક્યુમેન્ટ દબાઈ જતાં વેપારીઓની ઊંઘ હરામ થઈ ગઈ હતી.
બીજી તરફ કાટમાળ ખસેડવાની કામગીરીમાં રૂ. ૩.૫ કરોડના હીરા, ૧ કરોડ રોકડા સહિતની કીંમતી વસ્તુ મળતાં આયકર વિભાગ પણ સક્રિય થઈ ગયું છે. ઉલ્લેખનીય છે કે એપાર્ટમેન્ટ નમી ગયા બાદ ગમે તે સમયે ઈમારત પડી જવાની સ્થિતિ વચ્ચે એક રહીશ જીવના જોખમે જેસીબી ઉપર ચઢીને ફ્લેટમાં ગયો હતો અને ફ્લેટમાંથી એક મોટું પોટલું લઈને નીચે આવ્યો હતો. આ પોટલામાં ડોક્યુમેન્ટ્સ હતા કે કરોડો રૂપિયા? તેને લઈને પણ ભારે ચર્ચા જાગી હતી.
૩૫ વર્ષ જૂના એપાર્ટમેન્ટને રિપેર કરવા પાલિકાએ ૧ વર્ષ અગાઉ નોટિસ ફટકારી હતી, પરંતુ ફ્લેટનું રિપેરિંગ ન કરાવતા આ ઘટના બની હતી. આ ઘટના બાદ બાજુમાં આવેલું ૧૦ માળનું જર્જરિત એપાર્ટમેન્ટ ખાલી કરી દેવાયું હતું અને આ એપાર્ટમેન્ટ પણ રિપેર કરવા નોટિસ આપવામાં આવી હતી.