સુરતઃ શહેરના છેવાડે આવેલા પૂણા, યોગીચોક વિસ્તારમાં સુરત મહાપાલિકા દ્વારા બનાવવામાં આવેલા શાંતિકુંજ બગીચાનું મેયર અસ્મિતા શિરોયાના હસ્તે સોમવારે ઉદ્ઘાટન થવાનું હતું તેના એક દિવસ પહેલાં રવિવારે જ કોંગ્રેસના કોર્પોરેટરોએ લોકાર્પણ કરી દીધું હતું. જ્યારે ભાજપ શાસકો દ્વારા ફરી ગાર્ડનનું ઉદ્ઘાટન કરાયું ત્યારે કાર્યક્રમ પૂરો થયા બાદ કથિત સ્થાનિક રહીશો દ્વારા શાસકો પર ઈંડા ફેંકવામાં આવ્યા હતા. બાઈક પર આવેલા કેટલાક શખ્સો દ્વારા પણ ઈંડા ફેંકાયા હતા. ઈંડા ફેંકવાની ઘટના અંગે ભાજપ શાસકો અને આગેવાનો દ્વારા એવો આક્ષેપ કરાયો કે આ કામ સ્થાનિક કોંગ્રેસીઓનું છે તો કોંગ્રેસના કોર્પોરેટર ધીરુ લાઠીયાએ કહ્યું કે, અમારા પક્ષના કાર્યકરો આવું કામ ન કરે, પણ ત્રણ માસથી બગીચાના ઉદ્ઘાટનની રાહ જોતી પ્રજાએ જ આ રોષ ઠાલવ્યો હતો.