૧૯ વર્ષ પછી કેન્દ્ર સરકારે ફરી બ્લેકમની ધારકો માટે સ્કિમ મૂકી છે. જે અંતર્ગત કાળા નાણાની જાહેરાત કરનારને માત્ર ૪૫ ટકા ટેક્સ ભરવાનો રહેશે. આઈટી મુજબ, આ જાહેરાત બાદ સુરતમાં અંદાજે રૂ. ત્રણ હજાર કરોડનું કાળું નાણું સામે આવે એવી સંભાવના છે. ૪૫ ટકાના હિસાબે રૂ. ૧૩૫૦ કરોડનો ટેક્સ આવશે. નોંધનીય છે કે આઇટીમાં પેનલ્ટી ૩૦૦ ટકા જેટલી હોય છે.
અગાઉ ૧૯૯૭માં વોલ્યુન્ટરી ડિસ્કલોઝર સ્કીમ (વીડીસ) જાહેર થઈ હતી ત્યારે દેશભરમાં અંદાજે રૂ. ૧૦,૦૦૦ કરોડની બ્લેકમની જાહેર થઈ હતી. એક આઇટી અધિકારીએ કહ્યું કે વખતે તે બેથી ત્રણ ગણી થાય એવી સંભાવના છે. આઇટી સૂત્રોએ સુરત બાબતે કહ્યું હતું કે સુરતમાંથી સ્કિમ હેઠળ રૂ. ૩૦૦૦ કરોડ જેટલી બ્લેકમની જાહેર થાય એવી સંભાવના છે. ઉલ્લેખનીય બને છે કે દર વખતે સર્ચ અને સર્વે દ્વારા આઇટીમાં રૂ. ૫૦૦ કરોડની બ્લેકમની જાહેર કરાતી હોય છે. જેમાં પેનલ્ટી અને વ્યાજ સાથે ૨૦૦ કરોડનો ટેક્સ આવતો હોય છે. ૧૯ વર્ષમાં શહેરમાં અંદાજે રૂ. ૯૦૦૦ કરોડનું કાળું નાણું જાહેર કરી દેવાયું છે. વખતે વીડીએસ સ્કિમ ૧લી જૂન ૨૦૧૬થી ૩૦મી સપ્ટેમ્બર ૨૦૧૬ સુધી દાખલ કરાઈ છે.