કેન્દ્રીય બજેટમાં માંગણી ન સ્વીકારાતા હીરા ઉદ્યોગકારો નિરાશ થયા છે. છેલ્લા ઘણા સમયથી જેમ-જવેલરી ઉદ્યોગ દ્વારા કુલ ટર્નઓવર પર ટેક્ષ લાગુ પાડવાની માંગણી થતી હતી. જેમાં ખાસ કરીને પ્રિઝ્મ્પિટીવ ટેક્ષ લાગુ પાડવા માટે રજૂઆતો થઇ હતી. પરંતુ, ગત સપ્તાહે જાહેર થયેલા બજેટમાં આ માગણી ધ્યાને લેવાઇ નથી. આ જ પ્રકારે ભૂતકાળમાં આયાતી સોના પરની બે ટકાની ઇમ્પોર્ટ ડયૂટી વધારીને ૧૦ ટકા કરવામાં આવી હતી. જે ડયૂટી ઘણા સમયથી ઘટાડવાની માગ થતી રહી છે. ઉદ્યોગકારોએ પણ તે અંગે અનેકવાર રજૂઆતો કરી છે. આ ઉપરાંત રફ ડાયમંડનુ ભારતમાં ટ્રેડિંગ થઇ શકે તે માટે ખાસ સ્પેશ્યલ નોટિફાઇડ ઝોનની જાહેરાત કરવાની માગ પણ સ્વીકારાઇ નથી. જેને લઇને ઉદ્યોગકારોમાં નિરાશા જોવા મળે છે.
કાપડ ઉદ્યોગ પણ નિરાશ થયો
કેન્દ્રીય નાણાં પ્રધાન અરુણ જેટલીએ વર્ષ ૨૦૧૫-૧૬ માટે રજૂ કરેલા બજેટમાં રાહતની મોટી આશા લગાવીને બેઠેલા કાપડ ઉદ્યોગને મોટી નિરાશા મળી છે. સુરતના સિન્થેટિક આધારિત કાપડ ઉદ્યોગના યાર્ન પર લાગુ ૧૨ ટકા એક્સાઇઝ ડયૂટીમાં ઘટાડો નહીં થતાં ઉદ્યોગકારોમાં નારાજગી વ્યાપી છે. આથી ઉલટું, અગાઉ સેસ સાથે એક્સાઇઝ ડયૂટી ૧૨.૩૬ ટકા હતી, તે વધારીને કુલ ૧૨.૫૦ ટકા કરવામાં આવી છે. ડયૂટીમાં ઘટાડા ઉપરાંત એક્સપોર્ટમાં વધુ ઇન્સેન્ટીવ, પાવરલૂમ ઇન્ડસ્ટ્રીઝ માટે પ્રોત્સાહક યોજના, આયાતી યાર્ન પર એન્ટિ-ડમ્પિંગ ડયૂટીમાં રાહત તેમ જ ટેક્નિકલ ટેક્સ્ટાઇલને પ્રોત્સાહન મળે તેવી કોઇ યોજના બજેટમાં જાહેર નહીં થતા કાપડ ઉદ્યોગકારો નારાજ થયા છે.