વ્યારા: પાંડેસરા-બમરોલી રોડની ‘જય જવાન જય કિશાન સોસાયટી’માં રહેતા અને સંચાના કારખાનામાં કામ કરતા સંતરામ હરિજનને ૫ દીકરી અને ૧ પુત્ર છે જેમાંથી બે દીકરી વિકલાંગ અને એકના એક ૧૯ વર્ષીય પુત્ર જીતેન્દ્રની કિડની ફેઇલ થતાં કિડની ટ્રાન્સ્પલાન્ટની નોબત આવી છે.
જિતેન્દ્રને કિડનીની સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યો હતો, પરંતુ ડોનર મળવું મુશ્કેલ હોવાથી માતા-પિતા સહિત બહેનોએ એક કિડની જીતેન્દ્રને આપવાની તૈયારી દર્શાવી હતી. જોકે માતા-પિતાની વૃદ્ધાવસ્થાના લીધે દીકરી સુષ્માએ તાત્કાલિક ઓપરેશન કરીને ભાઇને કિડની આપવાનો નિર્ણય લીધો હતો. જન્મજાત પ્રજ્ઞાચક્ષુ સુષ્માએ કહ્યું કે, હું કિડની આપીશ તો મારો ભાઈ મારી આંખો બની મારી જિંદગીનો સહારો તો બનશે.
લાંબી સારવારના લીધે દેવું
સામાન્ય નોકરી અને લાંબી સારવારના લીધે પરિવાર પર ભારે દેવું થયું છે. વધુ સારવાર માટે તબીબે કિડની ડોનર શોધી ટ્રાન્સ્પલાન્ટ ઓપરેશનનું કહેતાં પરિજનો ચિંતામાં મુકાયાં હતાં. સંતરામભાઈએ કહ્યું કે, અમારી દીકરી ભાઇ અને પરિવાર માટે તારણહાર બની છે મને મારા પરિવાર પર ગર્વ છે.
ગરીબી રેખામાં નોંધ, ઓપરેશન ફ્રી
કાપોદ્રાના એક વકીલે ઓપરેશન પહેલાં જણાવ્યું કે, સુવર્ણજયંતી રોજગાર યોજના હેઠળ વર્ષ ૨૦૦૯માં સંતરામભાઇએ રાશન કાર્ડ કઢાવ્યું હતું. જોકે આ યોજના ૨૦૧૪માં બંધ થતાં પુત્રના કિડની ટ્રાન્સ્પલાન્ટનો ખર્ચ કરવો પડયો હતો. સંતરામના કાર્ડની જૂની તારીખ પ્રમાણેની નોંધ યુસીડીમાં મળતાં બીપીએલ કાર્ડથી હવે સારવાર સરકારી ખર્ચે થશે અને ઓપરેશન નિઃશુલ્ક થશે.