બારડોલીઃ વાલોડ તાલુકાના બાજીપુરા ગામે છેલ્લા ૨૦ વર્ષથી મહિલા સશક્તિકરણનો માટો દાખલો આપ્યો છે. આ ગામમાં છેલ્લા ૨૦ વર્ષથી ગ્રામ પંચાયતની ચૂંટણી થઈ જ નથી અને સરપંચ મહિલાને જ બનાવવામાં આવે છે. આ ગામનો વિકાસ ગામના ભક્ત સમાજના આગેવાનોને કારણે થયો છે. એનઆરઆઈઓના સહયોગથી ગામ વિકાસની કેડીએ ચાલી રહ્યું છે.
આમ તો તાપી જિલ્લો એટલે આદિવાસી વસ્તી ધરાવતો વિસ્તાર છે, પણ તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં આવેલું બાજીપુરા ગામ જે રેવન્યુ રેકોર્ડ ઉપર કમાલછોડના નામે ઓળખાય છે આ ગામનો વિકાસ ઊડીને આંખે વળગે તેવો છે. બાજીપુરામાં હાલમાં સાત ફળિયામાં ૬૦૦૦ની વધુની વસ્તી રહે છે. ગામમાં મોટા પ્રમાણમાં ભક્ત સમાજના લોકો રહે છે અને ગામમાંથી ઘણા લોકો અમેરિકા સહિતના વિવિધ દેશોમાં સ્થાયી થયા છે. આ ગામમાં ૧૯૯૩ પહેલા ધૂળની ડમરી ઉડતી હતી, પણ ગામના સ્થાનિક આગેવાન દિલીપભાઈ ભક્તા વર્ષો પહેલાં અમેરિકા પ્રવાસે ગયા અને ત્યાં વતનના લોકોની સાથે મુલાકાત કરીને રૂ. ૧૭ લાખનું દાન એકત્રિત કર્યું ત્યારથી ગામનો વિકાસ શરૂ થયો.
સૌ પ્રથમ તેમણે ગામમાં સારા રસ્તા, પાણીની સગવડ અને સ્મશાન ભૂમિનું નિર્માણ કરાવ્યું. ગ્રામજનોના ભાઈચારા અને આપસી સમજણને લઈને ૧૬ સભ્યો ધરાવતી ગ્રામ પંચાયતે સરકાર તરફથી અનેક એવોર્ડ મેળવ્યા છે. ગામમાં પ્રાથમિક સુવિધા માટે મોટે ભાગે સરકાર કરતાં સહકારની ભાવનાથી વધારે વિકાસ થયો છે. પીવા માટે પાણી, રસ્તા, ડ્રેનેજ, વીજળી કે સ્વચ્છતાના બાબતે રાજ્ય સરકારમાંથી ‘ગોકુળિયું ગામ’નો એવોર્ડ મળી ચૂક્યો છે. સાથે વર્ષ ૨૦૧૧માં નિર્મળ ગ્રામ પંચાયત અને વર્ષ ૨૦૧૪માં દિલ્હી ખાતેથી ગુજરાતની શ્રેષ્ઠ ગ્રામ પંચાયતનો એવોર્ડ પણ મેળવ્યો છે.
ગામમાં દર વર્ષે ૫૦૦થી વધુ વૃક્ષોનું વાવેતર
બાજીપુરા ગામના યુવાનો દર વર્ષે ગામમાં ૫૦૦થી વધુ વૃક્ષોનું વાવેતર કરી તેની જાળવણી કરે છે અને ગામને હરિયાળું રાખવા માટે પ્રયત્ન કરે છે. આ ગામ હાઈ વેને અડીને આવેલું હોવાથી અને ગામમાં બહારના કોઈ અસામાજિક તત્ત્વો દ્વારા ગામલોકોને નુક્સાન ન પહોંચે તેની કાળજી લેતાં દાતાઓનાં સહયોગથી ગામમાં સીસીટીવી કેમેરા પણ ફિટ કરી દેવાયાં છે.