સુરતઃ વલસાડના મોટા તાઈવાડમાં રહેતા રિઝવાન પઠાણ છેલ્લા ૧૨ વર્ષથી શનિવારે નવસારીના વીરવાડીના પાતળીયા હનુમાન મંદિરે દર્શને જાય છે અને ત્યાં તે સેવા પણ આપે છે. રિઝવાન કહે છે કે, ૫૫૦ વર્ષ જૂનું આ હનુમાન મંદિર સૂર્યમુખી હનુમાન તરીકે ઓળખાય છે. બારેક વર્ષ પહેલાં હું દોસ્તો સાથે આ મંદિરે આવ્યો હતો ત્યારે મંદિર વિશે કંઈ જાણતો ન હતો. પહેલી વાર મંદિર અંગેની વાત સાંભળ્યા બાદ હનુમાનજી અંગેની વાત સાંભળી તો મને શ્રદ્ધા થઈ હતી. ત્યારબાદ અવારનવાર મિત્રો જોડે મંદિર આવતો થયો હતો.
હનુમાનજી કષ્ટભંજન તરીકે પણ ઓળખાય છે મને કેટલીક મુશ્કેલીઓ હતી ત્યારે મેં હનુમાનજીને શ્રદ્ધાપૂર્વક પ્રાર્થના કરી અને થોડા જ દિવસોમાં મારી મુશ્કેલી દૂર થઈ ગઈ અને મને હનુમાનજી પર વધુ શ્રદ્ધા બેસી ગઈ હતી. હનુમાન જયંતી અને મંદિરના અન્ય કોઈ કાર્યક્રમમાં પણ ચોક્કસ હાજર રહું છું. મારા ધર્મની શ્રદ્ધા
અડગ છે. શુક્રવારની નમાઝ પણ પઢું છું. સૌથી મોટો ધર્મ ઈન્સાનિયતનો છે.