બારડોલી: બારડોલીના બે સાહસિક યુવાનો સાગર ઠાકર અને કનકસિંહ બારસડિયાએ સરદાર સેના શહીદ ટ્રસ્ટના સહયોગથી કાર મારફત ભારતના તમામ રાજ્યોનો ૬૨,૦૦૦ હજાર કિ.મી.નું અંતર કાપીને ૮૨ દિવસમાં પ્રવાસ પૂરો કર્યો હતો. બંને સોમવારે બારડોલી સ્વરાજ આશ્રમમાં આવ્યા હતા. બંને પ્રવાસ પૂર્ણ કરીને બારડોલી આવે છે તેવી જાણ થતાં આજુબાજુનાં ગામનાં યુવાનો બાઈક લઈને વ્યારા પહોંચી ગયા હતા અને ભવ્ય બાઈક રેલી સાથે સૌ બારડોલી સ્વરાજ આશ્રમમાં આવ્યા હતા.
ભારતનાં વીર શહીદ જવાનોના પરિવારોને આર્થિક સામાજિક અને માનસિક સહાય માટેની અપીલ સાથે યુવાનોએ લોંગેસ્ટ જર્ની, સિંગલ કન્ટ્રી એક્સપેડેશન ખેડવાનું નક્કી કર્યું હતું. અગાઉ યુએસના બે યુવકોએ પાંચ મહિનામાં ૫૮,૧૬૨ કિ.મી. કાપીને રેકોર્ડ સર્જ્યો છે અને સાગર અને કનકે ૮૨ દિવસમાં ૬૨,૦૦૦ કિ.મી.નો પ્રવાસ કર્યો છે તેથી આ ભારતીય યુવકોના પ્રવાસને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળવાની શક્યતા છે.