વલસાડઃ જિલ્લા પોલીસે ઉમરગામના બિલ્ડર જીતુ પટેલના અપહરણ કેસમાં પકડેલી બિહારની સોનાર ગેંગની તપાસ દરમિયાન તેમના કાળા કરતૂતો પરથી પરદો ઉંચકાયો છે.આ ગેંગનો એક સભ્ય પપ્પુ ચૌધરી તો ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને પશ્ચિમ બંગાળ એમ પાંચ રાજ્યમાં વોન્ટેડ હતો. એક અંદાજ મુજબ ચંદન સોનાર અને પપ્પુ ચૌધરીએ સાથે મળીને અત્યાર સુધીમાં રૂ. ૫૦૦ કરોડ જેટલી ખંડણીની રકમ વસૂલી કરી હોવાનું પોલીસ માની રહી છે. અપહરણના ગુના આચરીને ખંડણી વસૂલવામાં તે ભારતની ટોચની ગેંગ હોવાનું મનાય છે. આથી જ રાજ્ય સરકાર બિલ્ડર જીતુ પટેલને હેમખેમ છોડાવી ગેંગને ઝબ્બે કરનાર પોલીસ ટીમ માટે રૂ. ૧૦ લાખનું માતબર ઇનામ જાહેર કર્યું છે. નોંધનીય છે કે આ કુખ્યાત ગેંગે જીતુ પટેલની મુક્તિના બદલામાં રૂ. ૩૦ કરોડ માગ્યા હતા. જોકે પોલીસે આરોપી ગેંગનું પગેરું પકડીને મહારાષ્ટ્ર પહોંચી હતી અને જીતુ પટેલને તેમના કબ્જામાંથી મુક્ત કરાવ્યા હતા.
સોનાર ગેંગનો પપ્પુ ચૌધરી ખૂબ ખુંખાર, ચપળ અને રીઢો ગુનેગાર છે. તે મૂળ બિહારનો છે અને હિન્દી, બિહારી, ગુજરાતી, બંગાળી અને મરાઠી ભાષા પણ ખુબ સારી રીતે બોલી શકે છે. અપહૃતો પાસેથી ખંડણી ઉઘરાવવા માટે તે મરાઠી ભાષા બોલતો હતો. પોલીસે બાતમીના આધારે પપ્પુ ચૌધરીને મુંબઇના બોરીવલી સ્ટેશન પર અટકાવીને પુછતાછ શરૂ કરી ત્યારે તેણે ગુજરાતી ભાષા બોલીને પોતાની ઓળખાણ લાલજી તરીકે આપી પોતે કચ્છનો વતની હોવાનું જણાવ્યું હતું. પોલીસને મળેલી બાતમી ચોક્કસ હતી. આથી એક કલાકની કડક પુછતાછ બાદ તેણે પોતાનું સાચું નામ જણાવ્યું હતુ. તેનું નામ જાણ્યા બાદ વલસાડ જિલ્લા પોલીસને ઉમરગામના બિલ્ડર જીતુભાઇ પટેલને છોડાવવા માટે પ્લાનિંગ કરવું પડયું હતું અને બિલ્ડરને ગેંગની ચુંગાલમાંથી છોડાવ્યા હતા.
સોનાર ગેંગના ચંદન સોનાર અને પપ્પુ ચૌધરીએ અપહરણના ગુના આચરવાનું વર્ષ ૨૦૦૮થી શરૂ કર્યું હતું. તેમનો પહેલો શિકાર ઝારખંડના વેપારી મહાવીર જૈન બન્યા હતા. તેમાં સફળતા બાદ તેમની ગેંગ મજબૂત થતી ગઇ હતી. જેમાં સુરતના વેપારી સોહેલ હિંગોરાનું દમણથી અપહરણ કર્યું હતું. તેમની મુક્તિના બદલામાં મળેલી કરોડો રૂપિયાની ખંડણી બાદ આ ગેંગ વધુ મજબૂત બની હતી. આ કેસમાં પપ્પુ પકડાયો હતો અને સુરતમાં બે વર્ષ જેલની સજા પણ કાપી આવ્યો હતો. જોકે, જેલમાં બેઠા-બેઠા પણ તેણે પોતાની ગેંગ ઓપરેટ કરવાનું ચાલુ રાખ્યું હતું. સુરત જેલમાંથી છૂટયા બાદ તેણે હિંગોરા કેસમાં મળેલા ખંડણીના પૈસાથી બંગલો બનાવી દીધો હતો અને ત્યારબાદ તે ફરીથી અપહરણના ગુનાઓ આચરવા માંડયો હતો.