સુરતઃ રાજ્યની આર્થિક રાજધાની ગણાતું દક્ષિણ ગુજરાતનું સુરત શહેર કાપડ ઉદ્યોગમાં મોખરાનું સ્થાન ધરાવે છે. અંદાજે રૂ. ૪૦ હજાર કરોડના આ મોટા ઉદ્યોગમાં લગભગ પાંચ લાખ બિહારી કામદારો કામ કરે છે અને દર મહિને પોતાના ઘરે રૂપિયા મોકલાવે છે. આ કામદારો અહિં રોજ ઓછામાં ઓછા રૂ. ૫૦૦ કમાઈ લે છે. આ લોકો ઘરે જતી વખતે હંમેશા મહિલાઓ માટે સુરતી સાડી લઈ જાય છે. સુરતી સાડીઓએ દેશવિદેશમાં પોતાની અલગ ઓળખ ઊભી કરી છે. હવે આ પ્રખ્યાત સાડીનો ઉપયોગ બિહારમાં આવનારી વિધાનસભાની ચૂંટણીના પ્રચારમાં પણ કરાશે. નવસારીના સાંસદ અને બિહારની વિધાનસભા ચૂંટણીના સહ પ્રભારી સી આર પાટીલને આશા છે કે આ સાડીના માધ્યમથી બિહારના એ પાંચ લાખ પરિવારો સુધી સરળતાથી પહોંચી શકાશે જેમના પરિવારનું કોઈ સભ્ય સુરતની કાપડ મિલોમાં કામ કરે છે. આ ચૂંટણીને ધ્યાનમાં રાખીને અંદાજે પાંચ લાખ સાડીઓને વિશેષ રૂપે પેક કરવામાં આવી છે. જેના ઉપર વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ફોટો લગાવવામાં આવી રહ્યો છે. પાટીલ ઘણાં લાંબા સમયથી બિહારના રાજકારણથી લઈને વડા પ્રધાનના વિશ્વાસુ રહ્યા છે.
અનાવિલ સમાજે પણ અનામત માગીઃ પાટીદારોનું અનામત આંદોલન વેગ પકડી રહ્યું ત્યારે નવસારી જિલ્લાના અનાવિલ સમાજે પણ અનામતની માગ કરી છે. નવસારી જિલ્લા અનાવિલ સમાજે અનામત માટે ૨૪ ઓગસ્ટે રેલીનું આયોજન કર્યું હતું.