બીલીમોરા: નગરના વતની અને અમેરિકાના ઓક્લાહોમામાં સ્થાયી થયેલા હેમંતભાઈ શાંતિલાલ મિસ્ત્રીનું ગયા શનિવારે તેમની મોટેલની બહાર એક અશ્વેત અમેરિકન દ્વારા કરાયેલા હુમલામાં મોત નિપજ્યું છે.
બીલીમોરા ઓનેસ્ટ ટ્રેડિંગ કંપની પરિવારના હેમંતભાઈ શાંતિલાલ મિસ્ત્રી (59) છેલ્લા 20 વર્ષથી ઓક્લાહોમામાં સ્થાયી થયા છે અને ત્યાં મોટેલ ચલાવે છે. જ્યાં તેઓ પત્ની, એક પુત્ર અને પુત્રી સાથે રહેતા હતા. ગયા શનિવારે હેમંતભાઈની મોટેલની હદમાં ગેરકાયદે પ્રવેશેલો રિચાર્ડ લેવીસ શંકાસ્પદ હિલચાલ કરી રહ્યો હતો. આથી હેમંતભાઇ તેને મોટેલની હદ બહાર જવાનું કહ્યું હતું. આ સાંભળીને રિચાર્ડ બોલાચાલી કરવા લાગ્યો હતો અને બાદમાં અચાનક ઉગ્ર થઈ ગયેલા રિચાર્ડે હેમંતભાઈને મોઢાના ભાગે જોરદાર મુક્કો મારી દેતાં હેમંતભાઈ નીચે પડી ગયા હતા. જ્યાં તેમને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. હેમંતભાઇને તરત જ હોસ્પિટલે ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.
ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને હુમલાખોરની શોધખોળ શરૂ કરી હતી. બાદમાં હુમલાખોર રિચાર્ડ લેવીસ એસ. મેરિડિયન એવન્યુની એક હોટેલમાંથી મળી આવતાં તેની ધરપકડ કરવામાં આવી હતી.
અંગદાન કરાયું...
બીલીમોરાના ભૂતપૂર્વ કોર્પોરેટર અને મિસ્ત્રી પરિવારના સંબંધી યતીનભાઇ મિસ્ત્રીએ હેમંતભાઇના અવસાનથી પરિવારમાં શોકનું મોજું છવાયું છે, પરંતુ પરિવારે તેમના શરીરના અંગોનું દાન કરવાનું નક્કી કરીને અંગદાન કર્યું હતું. પારિવારિક ભાઈ જણાવ્યું હતું કે મિસ્ત્રીએ ઓર્ગન ડોનેશન માટેની પણ ઈચ્છા જાહેર કરી હતી, જેથી ઓર્ગન ડોનેશનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અમેરિકામાં જ તેમની અંતિમ વિધિ થશે.