અમદાવાદ: દેશના ૭૫મા સ્વાતંત્રય દિને દેશને બુલેટ ટ્રેનની ભેટ આપવા વડા પ્રધાનના આદેશ મુજબ નેશનલ હાઇસ્પીડ રેલ કોર્પોરેશનના અધિકારીઓ રાત દિવસ મહેનત કરી રહ્યા છે. જોકે જમીન સંપાદન સહિત અન્ય ટેકનિકલ કારણોસર હવે અમદાવાદ-મુંબઈ હાઇસ્પીડ રેલ પ્રોજેક્ટ ડિસેમ્બર ૨૦૨૩ સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે. તેમ છતાં એનએચએસઆરસીએલ ૧૫ ઓગસ્ટ ૨૦૨૨ના રોજ સુરતથી બિલીમોરા સુધી બુલેટ ટ્રેનનો ટ્રાયલ શરૂ કરી દેશે. વધુમાં દરરોજ સવારે ૬થી રાત્રે ૧૨ વાગ્યા સુધી દર ૨૦થી ૩૦ મિનિટના અંતરે દોડનાર બુલેટ ટ્રેનનું ભાડું લગભગ રૂ. ૩૦૦૦ રહેશે.
એનએચએસઆરસીએલના મેનેજિંગ ડિરેક્ટર અચલ ખરે જણાવ્યું કે, આ સંપૂર્ણ પ્રોજેક્ટ માટે કુલ ૧૩૮૦ હેક્ટટર જમીનની જરૂર છે જેમાંથી ૬૨૨ હેક્ટર એટલે કે ૪૫ ટકા જમીનનું સંપાદન પૂર્ણ કરી લેવામાં આવ્યું છે.
આ વર્ષના અંત સુધીમાં ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થતાં એપ્રિલ ૨૦૨૦ સુધીમાં સિવિલ કામગીરી શરૂ થાય તેવી શક્યતા છે.
ડિસેમ્બર ૨૦૨૩ સુધીમાં પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ એનએચએસઆરસીએલ દ્વારા શરૂઆતના તબક્કે ૭૦ ટ્રેનની મદદથી દરરોજ દર ૨૦થી ૩૦ મિનિટના અંતરે બુલેટ ટ્રેન દોડાવવામાં આવશે. જેનું ભાડું રૂ. ૩૦૦૦ જેટલું રાખવામાં આવે તેવી શક્યતા છે.