વલસાડઃ કપરાડા તાલુકાના અનેક ગામોમાં કોઝવે કે પુલના અભાવે મૃતદેહોના અગ્નિસંસ્કાર કરવા માટે લોકોએ અગ્નિપરીક્ષા આપવી પડે છે. તાજેતરમાં વાયરલ થયેલી એક વીડિયો ક્લિપમાં ઓઝરડા ગામની બીમારીથી મૃત્યુ પામેલી બે વર્ષીય બાળકીના મૃતદેહને ગાડીની ટયૂબ સાથે બાંધીને ગામના ૪ યુવાનોએ જીવના જોખમે પાણીના ધસમસતા પ્રવાહમાંથી સામે છેડે લઈ જઈને તેને અગ્નિદાહ આપ્યો હતો.
ઓઝરડાના ઓઝર ફળિયામાં રહેતા કિશનભાઇની બે વર્ષીય પુત્રી સોરા બીમારીથી ૧૯મીએ મૃત્યુ પામી હતી. ફળિયામાંથી પસાર થતી ખનકીના સામા છેડે આવેલા સ્મશાનમાં લોકો મૃતકોની અંતિમવિધિ કરવા જાય છે. ભારે વરસાદથી ખનકી ડૂબી ગઇ હતી. આથી બાળાની અંતિમવિધિ માટે ફળિયાવાસીઓએ બે દિવસ સુધી રાહ જોઈ, પરંતુ વરસાદી પાણી ઉતરતા નહોતા. અંતે ૨૧મીએ ફળિયાના ચાર યુવાનોએ બાળકીના અંતિમસંસ્કાર કરવા નદીમાં તરીને સામા છેડે જવાની તૈયારી બતાવી. પરિવારની સંમતિથી વાહનના ટયૂબમાં હવા ભરીને તેના ઉપર બાળકીના મૃતદેહને દોરડાથી બાંધી દેવાયો. ટયૂબને તરતી મૂકી. ૪ તરવૈયા યુવાનો જીવના જોખમે મૃતદેહને લઇને સામા છેડે ગયા અને બાળાના અંતિમસંસ્કાર થયા. બાળાના પિતા સહિતના નજીકનાને તરતા આવડતું ન હતું, તેથી નિઃસહાય પિતા વહાલસોયી પુત્રીને અગ્નિદાહ અપાતો કિનારાના બીજા છેડેથી જોતાં રહ્યાં હતાં.
અનેક ગામોમાં સમસ્યા
કપરાડાના માંડવા, સિલ્ધા, વાંગનપાડા, ચિકેચી, મોટીપલસાણ ગામે કરજલી ફળિયું અને કેતકી ગામે જામચીવેરી ફળિયામાં પણ વર્ષોથી ઓઝરડા જેવી જ સમસ્યા સર્જાતી હોય છે.