મહેસાણા: દેશમાં થયેલા એક સર્વે પ્રમાણે દેશની ૮૦ ટકા મહિલાઓ બજારમાં મળતા મોંઘા સેનેટરી પેડનો ઉપયોગ કરી શકતી નથી. આ મહિલાઓને પોષાય તેવા ઓછા ખર્ચમાં સેનેટરી પેડનું ઉત્પાદન મહેસાણાની આનંદનિકેતન સ્કૂલની ધોરણ ૯ની બે વિદ્યાર્થિઓ ધાર્મિ પટેલ અને રાજવી પટેલે કરવાનો પ્રોજેક્ટ બનાવ્યો હતો. કેળના રેસામાંથી બનેલા સોંઘા અને પર્યાવરણને અનુકુળ આ સેનેટરી પેડ સ્વાસ્થ્ય અને અનુકૂળતા વિષય પરનો પ્રોજેક્ટ શાળાના શિક્ષકો જોની અબ્રાહમ અને તપસ્યા બ્રહ્ભટ્ટના માર્ગદર્શનમાં તૈયાર કર્યો હતો. આ પ્રોજેક્ટ વડોદરામાં યોજાયેલા સીબીએસસીના ઝોનકક્ષાના વિજ્ઞાન પ્રદર્શનમાં પસંદગી પામ્યો હતો. એ પછી આ પ્રોજેક્ટ હવે આગામી ફેબ્રુઆરીમાં દિલ્હીમાં યોજાનારા રાષ્ટ્રીયકક્ષાના સીબીએસસીના વિજ્ઞાન પ્રદર્શનમાં રજૂ કરાશે.
અમદાવાદની સુભ્રા પ્રિયંવદા, વિન્ગ્સ ટુ ફ્લાય તથા વાત્સલ્ય ફાઉન્ડેશન દ્વારા પણ આવા નેપકિન્સ બનાવવાની કામગીરી ચાલુ છે. આ પેડના ટેસ્ટિંગ માટેના ૧૫ સેમ્પલ પેકેટ્સ સિવિલ હોસ્પિટલના ગાયનેકોલોજી વિભાગમાં ઉપયોગ કરવા માટે અપાયાં છે. આનંદનિકેતન શાળાએ આ પેડ માટેનો ગૃહઉદ્યોગ પણ શરૂ કરવા વિચારણા કરી છે. આ સેમિનારમાં દેવદત્ત પટેલ, રોહન પટેલે શારીરિક રીતે વિકલાંગો માટે સીડી પર સરળતાથી ચઢવા ઉતરવા માટેની વ્હીલચેરનો પ્રોજેક્ટ રજૂ કર્યો હતો. તેને પણ સારો પ્રતિસાદ મળ્યો હતો.
સુરતની પેડવુમન મીના મહેતા
સુરતમાં ૬૨ વર્ષીય મીના અતુલ મહેતાએ વર્ષ ૨૦૧૨માં બે કિશોરીઓને રોડની કચરાપેટીમાં યુઝ થયેલા સેનેટરી પેડ લેતી જોઈ હતી. તેમણે એ કિશોરીઓને પૂછયું હતું કે, તમે આ પેડનું શું કરશો? તો બાળકીઓએ મીનાબહેન અને તેમના પતિ અતુલભાઈને કહ્યું હતું કે, આને ધોઇને વાપરીશું. દંપતીને ત્યારે આ જવાબે હચમચાવી નાંખ્યા હતા અને તેમણે સંકલ્પ કર્યો હતો કે, જરૂરિયાતમંદ બાળકીઓને, કિશોરીઓને તેઓ તેમનાથી બનતી સહાય કરશે. એ પછી પાંચ વર્ષમાં મીનાબહેને ૧ લાખથી વધુ સેનેટરી પેડનું વિતરણ કર્યું. આ દંપતીએ છેલ્લા પાંચ વર્ષમાં ૩૫ ઉપરાંત પાલિકાની શાળાઓ અને ૪૦ જેટલા સ્લમ વિસ્તારોમાં વિનામૂલ્યે સેનેટરી પેડ વહેંચ્યા.
૧૧થી ૧૪ વર્ષની બાળકીઓ માસિકના સમયમાં ગાભા અને અન્ય કપડાંનો ઉપયોગ કરતી ત્યાં એ સમજણ સાથે પેડ વહેંચ્યા કે આ પ્રકારે ગાભા કપડાંનો ઉપયોગ ગંભીર બીમારી નોતરી શકે છે.
એક સંશોધન મુજબ પણ જાણવા મળ્યું છે કે સામાન્ય રીતે ૧૨થી ૫૪ વર્ષના ગાળામાં સ્ત્રીઓને માસિક આવે છે. આ ગાળામાં તેઓને ૧૬૨૦૦ પેડની જરૂરિયાત રહે છે. જોકે સંકોચ, માન્યતાઓ તથા આ મામલાને ગંભીરતાથી ન લેવાથી આ મુદ્દે સ્ત્રીઓમાં ઓછી જાગૃતિ હોય છે. વળી, આર્થિક રીતે નબળી સ્ત્રીઓ પેડનો ખર્ચ ટાળે છે એ માટે જ હવે પ્રમાણમાં સસ્તા સેનેટરી પેડથી મહિલાઓને આર્થિક ખર્ચમાં રાહત રહેશે અને તેમના સ્વાસ્થ્યની જાળવણી પણ કરી શકશે.