સુરતઃ ભારતને અંગ્રેજોના શાસનમાંથી મુક્ત કરાવવામાં અનેક લોકોએ પોતાની કુરબાની આપી છે. પરંતુ સુરતના બે સ્વાતંત્રસેનાની મિત્રો એવા હતા કે તેમના મૃત્યુ બાદ પણ તેઓ અનોખી સમાજસેવા કરતા ગયા છે. બિપિનભાઈ ધીરુભાઇ દેસાઈ અને ગુણવંતભાઈ દેસાઈ નામના આ બંને મિત્રોએ આઝાદી પછીમહેનત કરી ઘણી મિલ્કત વસાવી હતી. તેમની મિલ્કતની અત્યારની બજાર કિંમત રૂ. ૧૦૦ કરોડથી પણ વધુ છે. તેઓ માનતા હતા કે, આઝાદી પછી તેમણે જે મેળવ્યું છે તેમાં ફક્ત તેમની મહેનત જવાબદાર નથી, પરંતુ તેમાં સમાજ અને કુદરતનો પણ ભાગ છે. એટલે બંને સ્વાતંત્રસેનાનીઓએ મૃત્યુ પામતા પહેલા વીલ બનાવ્યું અને કુલ મિલ્કતમાંથી એક ભાગ પરિવાર પરિવારમાં વહેંચ્યો અને બાકીની કરોડો રૂપિયાની મિલ્કત દેશભક્તિના રૂપે સમાજ મળે તે માટે ‘મૈત્રી સામાજિક ઉત્કર્ષ નિધિ’ નામનું ટ્રસ્ટ બનાવ્યું હતું. આ વીલને પ્રોબેટ માટે કોર્ટમાં પણ રજૂ કરાયું છે, જેના આધારે ટ્રસ્ટ બનાવી હવે કિંમતી મિલ્કતનો ઉપયોગ સમાજના કલ્યાણ માટે ઉપયોગમાં લેવાશે.
ટ્રસ્ટ શું કામ કરશે?
ટ્રસ્ટનો હેતુ ગાંધી વિચારધારા મુજબ સમાજના છેવાડાના માનવી માટે કાર્યરત વ્યક્તિ કે સંસ્થાને મદદ કરવાનો છે.
મૃતદેહ પણ દાનમાં આપ્યા
બિપિનભાઈ અને ગુણવંતભાઈએ પોતાના વીલમાં તેમના મૃત્યુ પછી તેમના મૃતદેહને સ્મીમેર મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓને અભ્યાસ માટે આપવા જણાવ્યું હતું.
નાણાં પ્રધાન પણ પ્રભાવિત થયા હતા
વર્ષ ૧૯૯૦માં સુરતની આદર્શ સોસાયટીનો એક પ્લોટ આ બંને મિત્રોએ વેચવા કાઢ્યો હતો. તે વખતે હીરાના એક વેપારીએ રૂ. ૭૨ લાખમાં પ્લોટ ખરીદવા તૈયારી દર્શાવી હતી. પરંતુ તે સમયે સોદાની રકમ માત્ર રૂ. ૧૦થી ૧૫ લાખ દેખાડાતી હતી. જે આ મિત્રોને સ્વીકાર્ય નહોતું. પ્લોટના વેચાણની સંપૂર્ણ રકમ રૂ. ૭૨ લાખ તેમને ટ્રસ્ટમાં દાન કરવી હતી એટલે તેમને રકમ ચેકથી જોઇતી હતી. તે સમયે રૂ. ૧૫ લાખથી વધુનો સોદો હોય એટલે ઇન્કમટેક્સ વિભાગની નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (એનઓસી) લેવું પડતું હતું. સર્વેયર આવ્યા અને તેમણે કહ્યું કે, હું તમને પ્લોટની કિંમત રૂ. ૭૨ લાખ છે, એવું કેવી રીતે લખી આપી શકું? આ દેસાઈ મિત્રો તત્કાલિન નાણાં પ્રધાન ડો. મનમોહનસિંહને દિલ્હીમાં જઇને મળ્યાને વિગતે વાત કરી. ડો. સિંહ પણ બંનેની વાત સાંભળી ઘણા પ્રભાવિત થયા હતા. તેમણે તરત દેસાઈ મિત્રોને સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (સીબીડીટી)ના ચેરમેન પાસે મોકલ્યા અને તેમને એનઓસી આપવા જણાવ્યું હતું અને તરત તેમને એનઓસી મળી ગઇ.