સુરતઃ ચાર વર્ષ અગાઉ સુરત આવકવેરા વિભાગને માહિતી મળી હતી કે સુરતના પારલે પોઈન્ટમાં રહેતા એક વૃદ્ધ નવીનચંદ્ર પટેલ (નામ બદલ્યું છે) દ્વારા અંગ્રેજીના ‘H’થી શરૂ થતી આંતરરાષ્ટ્રીય બેન્કની સ્વિત્ઝર્લેન્ડની શાખામાં તબક્કાવાર રૂ. ૮ કરોડ ટ્રાન્સફર થયા છે. એ પછી સુરત આવકવેરા વિભાગે ઈન્ટરનેશનલ ઈન્ફર્મેશન એજન્સી પાસે આ અંગેની માહિતી માગી હતી. જોકે તે સમયે જ વૃદ્ધે ખાતું પોતાનું હોવાનો ઈનકાર કર્યો હતો. નવીનચંદ્રએ જણાવ્યું હતું કે, આ એકાઉન્ટ તેઓનું નથી અને તેમણે સ્વિત્ઝર્લેન્ડમાં કોઈ રૂપિયા ટ્રાન્સફર કર્યા નથી. જોકે પુરાવાઓ મુજબ નવીનચંદ્રએ કરોડો રૂપિયા કથિત ખાતામાં ટ્રાન્સફર કર્યાનું સાબિત થતું હોવાથી આવકવેરા વિભાગે આગળની કાર્યવાહી હાથ ધરી છે. સામે વૃદ્ધે આવકવેરાની કાર્યવાહીને અપીલમાં પડકારી હતી. છેલ્લાં ત્રણ નાણાકીય વર્ષથી આ કેસમાં બંને પક્ષે તકરાર ચાલી રહી હોવાતી વૃદ્ધે ટેક્સની રકમ ભરપાઈ કરી નથી.
દરમિયાન સુરત ઈડીએ વૃદ્ધને નોટિસ ફટકારી છે કે જો નિર્ધારિત સમયમાં વૃદ્ધ ખુલાસો નહીં કરે તો તેઓ વિરુદ્ધ કોર્ટમાં ફોજદારી કેસ દાખલ કરાશે. ત્યાર બાદ કોર્ટ આ કેસમાં કસૂરવારોને સજા સંભળાવશે.