સુરતઃ હીરા ઉદ્યોગ માટે રો મટીરિયલના મુખ્ય સ્ત્રોત એવા એન્ટવર્પ-બેલ્જિયમના બજાર બંધ કરાયા હોવાના અહેવાલ અને મુંબઈ બીકેસીને પણ બંધ કરાવવાની હિલચાલને પગલે હીરાઉદ્યોગ માટે વધુ કપરી પરિસ્થિતિ સર્જાવાની ભીતિ છે. હીરા ઉદ્યોગ મંદીમાં હેમખેમ બહાર નીકળીને આગળ વધી રહ્યો છે, ત્યાં એક નવી મુસીબત કોરોના વાઈરસના રૂપમાં આવી છે. કોરોનાની અસર વૈશ્વિક સ્તરે પડી હોવાને કારણે કામકાજો ખૂબ જ ઘટયાં છે અને તૈયાર માલનો ભરાવો પણ થઇ રહ્યો છે. અત્યારે એન્ટવર્પ માર્કેટ સંપૂર્ણ બંધ કરાવી દેવાયું છે, ઓફિસો બંધ છે, કોઈ ટેન્ડર અત્યારે થતા નથી. થોડું ઘણું કામ હોય તો તેને પૂરું કરવામાં આવે છે, પરંતુ અત્યારે વેચાણ બિલકુલ જ નથી. માર્કેટ બંધ કરી દેવાયાની અસર હીરા ઉદ્યોગ માટે ખૂબ જ ખરાબ આવશે. માર્કેટ બંધ હોય તો, રફ માલ આવી શકશે નહીંં એમ ઉદ્યોગકારે જણાવ્યું છે.