સુરતઃ ૨૦૧૫માં બેલ્જિયમની સરકારે એન્ટવર્પમાં ચાલતા હીરા ઉદ્યોગ પર ‘કેરેટ ટેક્સ’ લાગુ કરવાની મોકલાવેલી પ્રપોઝલ પર યુરોપિયન યુનિયન ચાલુ વર્ષના અંત સુધીમાં નિર્ણય લે તેવી શક્યતા છે. અત્યારે બેલ્જિયમમાં ડાયમંડ કંપનીઓ રેગ્યુલર કોર્પોરેટ ટેક્સ અને અંદાજિત ટેક્સ ભરી હીરાનો વેપાર ચલાવે છે તેમાં પ્રોપર્ટી ટેક્સ અલગથી લાગે છે. એન્ટવર્પ વર્લ્ડ ડાયમંડ સેન્ટરે સ્પષ્ટ કર્યું છે કે નવા કાયદા પ્રમાણે કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડના વેપાર પર વેચાણની કુલ રકમ પર નહીં, પરંતુ કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડ કે રફ ડાયમંડના કેરેટ્સની કિંમત પર ટેક્સ લાગુ પડશે. આ ટેક્સ સમગ્ર યુરોપિયન કમિશન સાથે જોડાયેલા દેશોમાં લાગુ થશે.
ટેક્સ બાબતે સુરત ડાયમંડ એસોસિએશનના પ્રમુખ દિનેશ નાવડીયાએ જોકે કહ્યું છે કે, બેલ્જિયમ સરકારની પ્રપોઝલનો પૂરેપૂરો અભ્યાસ કર્યા પછી જ કોઈ નિષ્કર્ષ નીકળી શકશે. કેટલા ટકા ટેક્સ કેટલા વોલ્યુમ પર લાગે છે તે હવે પછીની હીરા ઉદ્યોગની સ્થિતિ પરથી સ્પષ્ટ થશે. અત્યારે પ્રિમેચ્યોર સ્ટેજ છે.
અત્યાર સુધી જનરલ કોર્પોરેટ ટેક્સ સિસ્ટમ પ્રમાણે ટેક્સેબલ ઈન્કમ પ્રમાણે ટર્નઓવર અને પ્રોફિટ ટેક્સ લેવાતો હતો. બેલ્જિયમના એન્ટવર્પમાં રફ એન્ડ પોલિશ્ડ ડાયમંડનો હોલસેલમાં વેપાર થાય છે. તે હીરા કેરેટ વેલ્યુ પ્રમાણે ગણાશે તો ભારત અને ખાસ કરીને સુરત-મુંબઈની ડાયમંડ કંપનીઓ પર ટેક્સનું ભારણ વધશે. એન્ટવર્પમાં ૬૦ ટકા હીરાનો વેપાર ભારતની કંપનીઓ કરે છે.
સૂચનો લેવાશે
બેલ્જિયમ સરકારે યુરોપિયન કમિશનને મોકલાવેલી દરખાસ્તમાં કેરેટ્સમાં ટ્રેડર્સના ટર્ન ઓવર પર મિનિમમ ટેક્સ ૦.૫૫ ટકા અને મહત્તમ ટેક્સ ૦.૬૫ ટકા સુધી લાગુ કરવાની દરખાસ્ત રજૂ કરી છે. તેનાથી એન્ટવર્પમાં કાર્યરત ડાયમંડ કંપનીઓને કેરેટ પ્રમાણે વેચાતા ડાયમંડ માટે કેરેટ ટેક્સ ઓડિટ કરાવવું પડશે. કેરેટ ટેક્સનો આ પ્રયોગ પાંચ વર્ષ માટે લાગુ કરી રિવ્યુ કરવામાં આવશે. જોકે આ મામલે ૨ સપ્ટેમ્બરે એન્ટવર્પ વર્લ્ડ ડાયમંડ સેન્ટરમાં ડાયમંડ કંપનીઓ, ડાયમંડ ટ્રેડર્સલનો કેરેટ ટેક્સ મામલે મત લેવામાં આવશે. ભારતમાં આયાત થતી ૬૫ ટકા રફ એન્ટવર્પથી આવે છે. એવી જ રીતે સુરત-મુંબઈથી મોટા ભાગની કંપની પોલિશ્ડ ડાયમંડ વેચાણ માટે એન્ટવર્પ મોકલાવે છે. અહીંથી તે યુરોપના દેશોમાં જાય છે.