સુરતઃ સુમુલ ડેરી રોડ પર રમકડાં વેચીને પરિવારને મદદરૂપ થતા અબોલ બાળકને સોનાની બે લગડી મળી આવી હતી. ત્રણ કલાક પછી આ મૂક બાળકે માલિકને લડગી પરત આપીને પ્રામાણિક્તાનો પાઠ દુનિયાને શીખવ્યો છે. ઘરે લગ્ન પ્રસંગ હોવાથી અરુણભાઈ ધીરજલાલ કાબરિયા કામ અર્થે ખિસ્સામાંથી મોબાઈલ કાઢતા હતા એ વખતે તેમની સોનાની ૨૦ ગ્રામની લગડી પડી ગઈ હતી. ત્યાં રમકડાં વેચતા એક દસેક વર્ષના બાળકને એ મળી હતી.
અરુણભાઈ ઘરે પહોંચ્યા અને તેમને લગડી ખોવાયાની જાણ થઈ હતી. બે કલાક બાદ તેઓ લગડીની શોધમાં સુમુલ ડેરી આસપાસ પહોંચ્યા, દરમિયાન જે બાળકને લગડી મળી હતી તેણે સુમુલ પાર્લર પર જઈને ઇશારાથી આ લગડીના માલિક આવે તો કહી દેજો એમ જણાવ્યું હતું. બે કલાક બાદ ડેરી પાસે આ બાળકને જ અરુણભાઈએ લગડી વિશે પૂછ્યું. એ પછી બાળકે સુમુલ પાર્લરના કર્મચારીઓની સાક્ષીમાં અરુણભાઈને લગડીઓ સોંપી દીધી. અરુણભાઈએ તેને રોકડ બક્ષિસ આપવાની કોશિશ કરી પણ તેણે એ લેવા ઈનકાર કરી દીધો. બાળકના ઉમદા વર્તનથી સૌને તેના ભવિષ્ય અંગે ચિંતા થઈ અને તેનું ભાવિ ઉજ્જવળ બનાવવા માટે કોઈ આયોજન કરવાનું વિચાર્યું છે.