સુરતઃ અત્યાર સુધી બ્રેઈનડેડ વ્યક્તિનાં હાર્ટ, કીડની, લિવર, આંખ સહિતના અંગોના દાનથી જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળતું હતું, પરંતુ રાજ્યમાં હાડકાંના દાનની પ્રક્રિયા પણ શરૂ થઈ છે અને રાજ્યમાં હાડકાંના દાનનો સૌ પ્રથમ કિસ્સો બન્યો છે. સુરત જિલ્લાના મહુવાનાં બ્રેઈનડેડ ધનસુખભાઈ પટેલ (૫૮)નાં પરિવારજનોએ તેમના હાડકાનાં દાનની પહેલ કરતાં કેન્સરના ૧૫ વ્યક્તિઓને નવજીવન મળશે તેમ તબીબોએ જણાવ્યું હતું. ગત ૩જીએ સુરત જિલ્લાના મહુવા તાલુકાના ડુંગરી ગામે રહેતાં ધનસુખભાઈ પટેલ સવારે સાડા સાત કલાકે જીમમાંથી ઘરે પરત આવતા હતા ત્યારે ગામની નહેર નજીક અજાણ્યા બાઈકચાલકે તેમને ટક્કર મારતાં તેઓ બાઈક પરથી નીચે પડી ગયા હતા અને માથામાં ગંભીર ઈજાના કારણે તેમને બારડોલીની સ્મારક હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.
એ પછી તેમનાં સિટી સ્કેનમાં તેમને બ્રેઈન હેમરેજનું નિદાન થતાં સુરતની આશુતોષ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં તેમનાં મગજમાં જમા થયેલા લોહીના ગઠ્ઠાને દૂર કરાયો હોવા છતાં ધનસુખભાઈના દિમાગને ફરી કાર્યરત કરી ન શકાતાં તેમને બ્રેઈન ડેડ જાહેર કરાયા હતા. એ પછી ધનસુખભાઈના પરિવારજનોને અંગદાન માટે સમજાવાતાં પરિવારે અંગદાન માટે મંજૂરી આપતાં ધનસુખભાઈનાં હાડકાંથી હવે કેન્સરનાં ૧૫ દર્દીઓને નવજીવન મળશે.