બ્રેઈનડેડ નવનીત ચૌધરીના અંગોથી ચારને નવજીવન

Wednesday 07th June 2017 08:24 EDT
 
 

સુરતઃ આદિવાસી પરિવારના બ્રેઇનડેડ નવનીત ચૌધરી (ઉ. ૩૦)નું હૃદય અમદાવાદના એક દર્દીમાં સફળ રીતે ટ્રાન્સપ્લાન્ટ કરાયું છે. આ સાથે સુરતમાંથી ૧૧મું સફળ હૃદય ટ્રાન્સપ્લાન્ટ થયું છે. નવનીતભાઈના અંગોના દાનથી ચાર વ્યક્તિને નવજીવન મળ્યું છે. ૨૯મી મેના રોજ નવનીત વાંકલથી લવેટ પોતાના ઘરે ટુ-વ્હીલર પર પરત ફરી રહ્યા હતા ત્યારે વાંકલ રેલવે ફાટકની પાસે તેની બાઈક સ્લીપ થતાં તેને માથાનાં ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. બ્રેઈનડેડ વ્યક્તિ વિશેની માહિતી ડોનેટ લાઈફ સંસ્થાને મળતાં પ્રમુખ નિલેશભાઈ માંડલેવાળા અને તેની ટીમે પરિવારજનો સાથે નવનીતભાઈનાં અંગદાન અંગેની વાતચીત કરી. નવનીતભાઈના પિતા બાબુભાઈ અને પરિવારના તમામ લોકોએ અંગદાનની મંજૂરી આપતાં નવનીતભાઈનાં હાર્ટ સહિતનાં અંગોનું દાન કરવામાં આવ્યું હતું.
સુરત સિવિલ હોસ્પિટલથી અમદાવાદ હોસ્પિટલ સુધી ૨૭૭ કિ.મી.નું અંતર માત્ર ૮૦ મિનિટમાં કપાયું હતું. નવનીતભાઈનું હૃદય સુરતના રહેવાસી કલ્પેશ જયસુખભાઈ કાત્રોડિયા (ઉ. ૨૩)માં ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું. આ ઉપરાંત દાનમાં મેળવવામાં આવેલી બંને કિડનીઓ અનુક્રમે અમદાવાદના રહેવાસી તિલક શાહ
(ઉ. ૧૪) અને બીજી કિડની સુરતના રહેવાસી પુનિત જાલીન (ઉ. ૩૧)માં સફળ રીતે ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી હતી. જ્યારે લીવર મોરબીના રહેવાસી વાલાભાઈ દેવાભાઈ રાઠોડમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયું છે. સુરતથી અમદાવાદ હાર્ટ હવાઈ માર્ગે લઈ જવા માટે સ્પેશ્યલ મંજૂરી આપવામાં આવી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter