કેવડિયા કોલોનીઃ રાજ્યસભાની ચૂંટણીમાં બીટીપીના ધારાસભ્યો છોટુભાઈ વસાવા અને મહેશ વસાવાએ મત નહીં આપી, આડકતરી રીતે ભાજપને સપોર્ટ કર્યો અને કોંગ્રેસ સાથે વિશ્વાસઘાત કર્યો છે. તેવા આક્ષેપ સાથે નર્મદા જિલ્લાના કોંગ્રેસના આગેવાનો અને નાંદોદ ધારાસભ્ય અને જિલ્લા પંચાયતના ૧૦ સદસ્યોએ ગઠબંધન તોડવા અહેમદ પટેલ અને હાઇકમાન્ડને રજૂઆત કરી છે. નર્મદા કોંગ્રેસના આગેવાનોએ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને અને રાષ્ટ્રીય અધ્યક્ષને સંબોધી પત્ર લખી ગઠબંધન તોડી નાખવા મંજૂરી માગી છે. નર્મદા અને ભરૂચ જિલ્લાની બંને જિલ્લા પંચાયતો કોંગ્રેસ અને બીટીપી ગઠબંધન વાળી છે. સાગબારા તાલુકા પંચાયતમાં પણ બંને પક્ષોએ ગઠબંધનથી સત્તા હાંસલ કરી છે. જેના આધારે દેડિયાપાડા વિધાસભામાં પણ કોંગ્રેસ-બીટીપીના ગઠબંધનથી કોંગ્રેસ ઉમેદવાર ન મૂકી બીટીપીને સપોર્ટ કર્યો હતો. ત્યારે ભાજપને હરાવી શક્યા હતા. ત્યારે બીટીપીએ રાજ્યસભામાં કોંગ્રેસને મત આપવો જોઈએ, પરંતુ બીટીપીએ પોતાનો ગઠબંધન ધર્મ ના નિભાવી ભાજપને સપોર્ટ કર્યો છે. નર્મદા અને ભરૂચ જિલ્લા પંચાયતના ગઠબંધન તોડવા કોંગ્રેસ ધારાસભ્ય પી.ડી. વસાવા અને નર્મદા જિલ્લા પંચાયતના ૧૦ કોંગ્રેસના સભ્યોએ હાઈકમાન્ડને રજૂઆત કરી છે.