ભરૂચઃ ભરૂચના વતની અને આફ્રિકામાં વસેલા સલીમ પટેલનો માથામાં ગોળી મારી હત્યા કરાયેલો મૃતદેહ મળ્યાના સમાચાર ૨૯મી ડિસેમ્બરે મળતાં પરિવારના માથે આભ તૂટી પડ્યું હતું. સલીમના માતા-પિતાએ પુત્રનો સહારો ગુમાવ્યો જ્યારે ત્રણ દીકરીઓએ પિતાનું છત્ર ગુમાવ્યું છે. જેનીન શહેરમાં આવેલી દુકાનને બંધ કરી સલીમ પટેલ ઘરે આવવા નીકળ્યા હતા ત્યારે તેઓ ગુમ થયા હતા. પોલીસ તપાસમાં તેમની ટોયોટા કાર મળી હતી. કારથી ૪૦ કિ.મી.ના અંતરેથી સલીમ પટેલ તથા તેમના બ્લેક નોકરનો મૃતદેહ મળ્યો હતો.
આફ્રિકી પોલીસે કહ્યું કે, સલીમના માથા - આંખમાં ગોળી મારવામાં આવી હતી અને બ્લેક કારીગર પર ચપ્પુના અસંખ્ય ઘા ઝીંકાયા હતા. સલીમ પટેલ તથા તેના સાથીદારની હત્યા કયા કારણોથી કરાઈ છે તે બહાર આવ્યું નથી.