ભરૂચઃ પ્રાચીન સુજની કળાને જીવંત રાખવા હવે વિદેશીઓએ પણ પ્રયાસો શરૂ કર્યાં છે. મેકસિકોના રહીશે શહેરમાં સુજની બનાવતાં ભરૂચના પરિવાર સાથે મુલાકાત કરી તાજેતરમાં જરૂરી માહિતી મેળવી હતી. તેમણે લખેલાં પુસ્તકમાં પણ ભરૂચની સુજની કળાની નોંધ લેવામાં આવી છે. ભરૂચની સુજની વિશ્વભરમાં વખણાય છે, પણ સમયની સાથે સુજની બનાવતાં કારીગરો લુપ્ત થઇ રહયાં છે શહેરમાં માત્ર એક પરિવાર સુજની કળાને જીવંત રાખી રહ્યો છે. સુજની બનાવતા કારીગરોને પ્રોત્સાહન આપવા માટે મેકસિકોના પેટ્રીક ફીને તાજેતરમાં ભરૂચ શહેરની મુલાકાત લીધી હતી. પેટ્રીકે ભારતના રાજસ્થાન, બંગાળ, દિલ્હી, ઉત્તર પ્રદેશ, તામિલનાડુ, કર્ણાટક, મહારાષ્ટ્ર, ગુજરાતમાં ફરીને ત્યાં બનતી રજાઇઓ વિષે Quilts of India નામનું પુસ્તક લખ્યું છે.
તેમણે ભરૂચ સ્થિત સર્વ હેપીનેસ ફાઉન્ડેશનના સ્થાપક નીતિન ટેલરના અમેરિકામાં પબ્લિશ થયેલા TEDX વ્યાખ્યાનમાં સુજની કલાને પ્રમોટ કરવા માટેના પ્રોજેક્ટ વિશે જાણીને ભરૂચ આવીને સુજની વિશે વધુ માહિતી મેળવવા ઈચ્છા વ્યક્ત કરી હતી. તેમણે શહેરના કતોપોર દરવાજા સ્થિત વર્ષો જૂના સુજની બનાવતા મુજ્જકર સુજનીવાળા સાથે મુલાકાત કરી સુજનીની બનાવટ અને તેના ઇતિહાસ અંગે માહિતી મેળવી હતી. અગાઉ તેઓ ૮ વર્ષ પહેલાં ભરૂચ આવ્યા હતા ત્યારે પણ સુજની વિશે તેમને જાણવા મળ્યું હતું. એ પછી તેમણે સુજની વિશે પુસ્તકમાં લખ્યું પણ હતું. આ વખતે તેમણે સુજની વિષે વધુ માહિતી મેળવી કળાને જીવંત રાખવા વધુ પ્રયાસો કરાશે તેવી ખાતરી આપી હતી.