ભરૂચમાં ગઈ બીજી નવેમ્બરે સાંજે ભાજપ-સંઘ પરિવારના બે નેતાઓ શિરીષ બંગાળી અને પ્રજ્ઞેશ મિસ્ત્રીની ગોળીબાર કરીને હત્યા કરવાની ઘટનાએ ત્રાસવાદી કૃત્ય હોવાનું ગુજરાત એટીએસની તપાસમાં બહાર આવ્યું છે. આ ડબલ મર્ડર કેસમાં નાસતા ફરતા મુખ્ય આરોપી આબિદ પટેલ અને તેના સાગરિત સલીમ ઘાંચીને ભારત - નેપાળ સરહદના ગોરખપુર પાસેથી રાજ્યની એટીએસ અને કેન્દ્રીય એજન્સીઓની સંયુક્ત ટીમે ઝડપી લીધો હતો. ચોથી ડિસેમ્બરે બન્ને આરોપીઓને ગાંધીનગર હાજર કરાયા હતા. અહીં ગુજરાત એટીએસ, અમદાવાદ ક્રાઈમ બ્રાંચ, સેન્ટ્રલ આઈ બી સહિત કેન્દ્રીય અધિકારીઓએ આબિદ અને સલીમ ઘાંચીની સંયુક્ત પૂછપરછ કરી હતી. આ પૂછપરછ બાદ બન્ને આરોપીઓ ભરૂચની સ્પે. કોર્ટમાં સમક્ષ રજૂ કરાયા હતા.
પોલીસે જણાવ્યા મુજબ, આબિદ પટેલ અને સલીમ ઘાંચી નેપાળથી પાકિસ્તાન નાસી છૂટવાની ફિરાકમાં હતા અને ભરૂચમાં ભાજપના બે નેતાઓની હત્યાની ઘટના એ હકીકતમાં ત્રાસવાદી કૃત્યનો એક ભાગ હતો. આ ઘટના પાછળ ગુજરાતની શાંતિ ડહોળીને રમખાણો કરાવવાનો કારસો હતો. વર્ષ ૧૯૯૩ મુંબઈ સિરીયલ બ્લાસ્ટના આરોપી અને ડી-ગેંગ સાથે સંકળાયેલા જાવેદ ચીકના ઉર્ફે જાવેદ દાઉદ શેખના ઈશારે ભરૂચના બે નેતાઓની હત્યા કરાઈ હતી. આ ષડયંત્ર પાર પાડવા માટે જાવેદ ચીકનાના ભાઈ આબિદ પટેલે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ૨૦૦૩માં લગ્ન બાદ તે બ્રિટીશ નાગરિક બની ગયો હતો અને ભરૂચના કંથારીયા ગામનો વતની એવો આબિદ બ્રિટન અને દક્ષિણ આફ્રિકામાં અવરજવર કરતો હતો. બીજી નવેમ્બરના રોજ ભરૂચમાં શિરીષ બંગાળી અને પ્રજ્ઞેશ મિસ્ત્રીની હત્યા થઈ તે વખેત આબિદ પટેલ ભરૂચમાં જ હાજર હતો.