ભરૂચઃ જિલ્લા ભારતીય જનતા પક્ષના પૂર્વ પ્રમુખ અને સંનિષ્ઠ આગેવાન શિરિષ બંગાળી અને ભરૂચ જિલ્લા ભાજપા યુવા મોરચાના મહામંત્રી અને દક્ષિણ ગુજરાત યુનિર્વિસટીના સેનેટ સભ્ય પ્રજ્ઞેશ મિસ્ત્રી બીજી નવેમ્બરે સાંજે સાત વાગ્યાના અરસામાં બંગાળીની સેવાશ્રમ રોડ પર આવેલી સૂર્યા પ્રિન્ટર્સની ઓફિસે બેઠા હતા. આ સમયે મોટર સાયકલ પર સવાર બે હુમલાખોરોએ બાઇક પરથી જ બંને આગેવાનો પર અંધાધૂંધ ફાયરિંગ કર્યું અને ફરાર થઈ ગયા હતા. આ ફાયરિંગમાં શિરિષભાઈને કાનની પાછળ ગોળી વાગી હતી અને પ્રજ્ઞેશ મિસ્ત્રીને પેટના ભાગે ગોળી વાગી હતી. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો દોડી આવ્યા અને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સમાં બંને ઇજાગ્રસ્તોને ભરૂચની ગ્લોબલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ તબીબોએ શિરિષ બંગાળી અને ત્યારબાદ પ્રજ્ઞેશ મિસ્ત્રીને મૃત ઘોષિત કર્યાં હતાં.
શિરિષ પર પહેલાં પણ પ્રાણઘાતક હુમલો થયો હતો
ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા પહેલાં શિરિષ બંગાળી વિશ્વ હિન્દુ પરિષદમાં હતા અને મક્તમપુર ભાથીજી મંદિર પાસે પ્રેસ ચલાવતા હતા ત્યારે પણ તેમના પર કેટલાક શખ્સોએ તલવારથી હુમલો કર્યો હતો. જેમાં તેમને શરીર પર ૩૦ જેટલા ટાંકા આવ્યા હતા.
ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક સ્થગતિ કરાઈ
ઘટનાની તપાસ હાલમાં પણ પોલીસ કરી રહી છે ત્યારે ઉમેદવારોની પસંદગીને લઈને ગાંધીનગરમાં પાર્લામેન્ટરી બોર્ડની બેઠક ત્રીજી નવેમ્બરે યોજાઈ હતી તે તત્કાલ સ્થગિત કરાઈ હતી અને ઘટનાની જાણ થતાં જ ભાજપના પાર્લામેન્ટરી બોર્ડના આગેવાનો ભરૂચ રવાના થયા હતા.