ભરૂચ શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે ૨૪ મેએ યોજાયેલાં મહાઅભિયાનમાં સતત ૪ કલાક સુધી ૧૮ હજાર કરતાં વધુ લોકોએ શ્રમદાન કરી રેકોર્ડ બનાવ્યો છે. જેને લિમ્કા બુક ઓફ રેકોર્ડસમાં સ્થાન અપાવવા પ્રયાસો થયો છે. નગરપાલિકાના તમામ ૧૪ વોર્ડમાં સામૂહિક સફાઈનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગ્રીન ભરૂચ ક્લીન ભરૂચ ટ્રસ્ટ, નગરપાલિકા, કલેક્ટર કચેરી, જિલ્લા પંચાયત તથા અન્ય સંસ્થાઓ દ્વારા સફાઈનો મહાયજ્ઞ શરૂ કરવામાં આવ્યો હતો.
સુરતમાં ત્રણ બ્રિજનું લોકાર્પણઃ સુરતમાં કતારગામ ફલાયઓવર બ્રિજ, લાલદરવાજાથી રીંગરોડ તરફ જવા માટેનો બ્રિજ અને બોમ્બે માર્કેટથી પુણા ગામ તરફ અર્ચના વિધાલય પાસે બનાવેલા ત્રણ બ્રિજનુ લોકાર્પણ ગત સપ્તાહે રાજ્યના આરોગ્ય પ્રધાન નીતિન પટેલના હસ્તે કરવામાં આવ્યું છે. હવે ત્રણેય બ્રિજની સુવિધાને કારણે શહેરમાં ટ્રાફિકનું ભારણમાં ઘટશે. કતારગામ દરવાજાથી કતારગામ ધોળકીયા ગાર્ડન તથા મહેતા પેટ્રોલપંપની પહેલા અને સુમુલ ડેરી રોડ તરફ જવા માટે ત્રણ લેનમાં રૂ. ૬૬ કરોડના ખર્ચે નિર્મિત બ્રિજ, દિલ્હીગેટ જંકશન પર લાલદરવાજાથી રીંગરોડ તરફ જવા માટે રૂ. ૨૪ કરોડના ખર્ચે બનાવેલા બ્રિજ અને બોમ્બે માર્કેટથી પુણા ગામ જવા માટે અર્ચના વિદ્યાલય પાસે રૂ. ૧૬ કરોડના ખર્ચે બ્રિજ બનાવવામાં આવ્યા છે.
બોગસ આધાર કાર્ડ બનાવનાર સાધુની અટકાયતઃ વડતાલ સ્વામીનારાયણ મંદિરના ટ્રસ્ટી બોર્ડની ચૂંટણીમાં ઝડપાયેલા ૧૪૬ બોગસ આધાર કાર્ડ બનાવવાના ગુનામાં સુરતની કતારગામ પોલીસે મંદિરના એક સાધુની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે. ચૂંટણી સમયે ઝડપાયેલા ૧૪૬ બોગસ ઓળખ કાર્ડ સ્વામીનારાયણ મંદિરના સાધુએ બનાવ્યા હોવાનું પોલીસ સૂત્રો જણાવે છે.
સુરતમાં ઇન્ડસ્ટ્રીયલ પાર્ક માટે ચીન સાથે કરારઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલ સાથેના ચીન પ્રવાસની ફળશ્રુતિ ગણાવતા રિલાયન્સના સુરત એકમના ડિરેકટર હેમંત દેસાઇએ જણાવ્યું હતું કે, ચીન સરકાર સાથે ગુજરાત સરકારે સુરતમાં ઇન્ડસ્ટ્રીયલ પાર્કના નિર્માણ માટે કરારો કર્યા છે. આ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં ટેક્ષટાઇલ પાર્કનો પણ સમાવેશ કરાશે. આ ઉપરાંત દહેજમાં લોજિસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ માટે કરારો થયા છે. દિલ્હી-મુંબઇ કોરીડોર પ્રોજેકટનો લાભ પણ સુરતને મળશે.