ભરૂચઃ ભરૂચ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ શહેર પ્રમુખ અને અગ્રણી શિરિષ બંગાળી અને પ્રજ્ઞેશ મિસ્ત્રી બીજી નવેમ્બરે સાંજે શિરિષ બંગાળીની ઓફિસે બેઠા હતા ત્યાં બાઇક સવારોએ આવીને આડેધડ ફાયરિંગ કર્યું ને બંનેનું હોસ્પિટલમાં મૃત્યુ નીપજ્યું હતું.
આ કેસમાં ભરૂચ ક્રાઈમ બ્રાન્ચ અને એટીએસના સંયુક્ત ઓપરેશનમાં અત્યાર સુધીમાં શાર્પશૂટર સહિત સાત આરોપીઓની ધરપકડ થઈ છે. પ્રાથમિક તપાસમાં આ હત્યા પાછળ ભૂમાફિયા અને અંડરવર્લ્ડનું કનેક્શન હોવાનું પણ બહાર આવ્યું છે. જોકે, પોલીસ હજુ વધુ ઊંડી તપાસ ચલાવી રહી છે.
પોલીસના જણાવ્યા મુજબ રૂ. ૧૨૦૦ કરોડની જમીન વિવાદમાં ભૂમાફિયાઓએ અંડરવર્લ્ડ સાથે મળીને બંનેની હત્યાની રૂ. ૫૦ લાખમાં સોપારી આપી હોવાની માહિતિ મળી છે. એટીએસની ટીમે વધુ ત્રણ આરોપીની ઉત્તરાખંડમાંથી ધરપકડ કરી છે. આ ત્રણેય આરોપીઓને ભરૂચ પોલીસે કોર્ટમાં રજૂ કરી ૧૪ દિવસના રિમાન્ડની માગણી થઈ હતી, જોકે કોર્ટે સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં છે.