સુરતઃ લેબગ્રોન ડાયમંડ એન્ડ જ્વેલરી પ્રમોશન કાઉન્સિલ થાઈલેન્ડને રૂ. 10000 કરોડની કિંમતના લેબગ્રોન ડાયમંડ્સ, ગોલ્ડ, સિલ્વર અને રૂબીની નિકાસ કરશે અને તેના બદલામાં થાઈલેન્ડ આટલી જ કિંમતના તેમના રૂબી, સિલ્વર અને વ્હાઇટ ગોલ્ડની નિકાસ કરશે. થાઈલન્ડના જેમ્સ એન્ડ જ્વેલરીની નિકાસ માટે ભારત મહત્વનું બજાર રહ્યું છે. ખાસ કરીને, ચાંદીની જ્વેલરી માટે. ગયા વર્ષથી આ બજાર 158.21 ટકાના દરે ઝડપથી વિકસી રહ્યું છે. બન્ને દેશો વચ્ચે અનેક સદીઓ જૂનું અનોખું સાંસ્કૃતિક જોડાણ છે, એમ લેબગ્રોન ડાયમંડ એન્ડ જ્વેલરી પ્રમોશન કાઉન્સિલે એક નિવેદનમાં જણાવ્યું છે.
યુએસ, હોંગકોંગ અને જર્મની જેવા મુખ્ય બજારોમાં, ભારતીય બજારે સર્વોચ્ચ નિકાસ મૂલ્યનું સર્જન કર્યું છે, જે કુલ 149.21 ટકા જેટલો વધારો દર્શાવે છે. આ વધારો હીરા, રત્નો, મોતી, જ્વેલરી, સિન્થેટિક રત્નો, મૂલ્યવાન ધાતુઓ તથા મૂલ્યવાન ધાતુઓથી સજ્જ અન્ય ઉત્પાદનોને કારણે થયો છે.
થાઈલેન્ડની જેમ્સ અને જ્વેલરીની નિકાસ (સોનાને બાદ કરતાં) જાન્યુઆરીથી જૂન-2022ની વચ્ચે વધીને 3884.21 મિલિયન યુએસ ડોલર થઈ છે, જે ગયા વર્ષની સરખામણીએ 40.96 ટકાનો વધારો દર્શાવે છે. તા. 7થી 11 સપ્ટેમ્બર દરમિયાન બેન્ગકોકમાં ૬૭મા બેન્ગકોક જેમ્સ એન્ડ જ્વલરી ફેરનું આયોજન કરાયું હોવાથી ડાયમંડ ગોલ્ડ, સિલ્વર અને રુબીઝ અને વ્હાઇટ ગોલ્ડમાં સારાં વેપારની અપેક્ષા છે.