રાજપીપળાઃ નર્મદાયોજના નિર્વિધ્ને પૂર્ણ થતાં રાજયના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ શૂલપાણેશ્વર મહાદેવની બાધા ૧૮ વર્ષ બાદ પૂર્ણ કરી છે. ડેમની બાધા પૂર્ણ થતાં હવે તેમણે વિધાનસભામાં ભાજપ ૧૫૦ બેઠકો જીતે તે માટે બાધા લીધી છે.
તેઓ સરદાર સરોવર નર્મદા નિગમના ચેરમેન હતા ત્યારથી સતત શ્રાવણ મહિનાની બંને અમાસના દિવસે છેલ્લા ૧૮ વર્ષથી શૂલપાણેશ્વર મહાદેવના મંદિરે દર્શન માટે આવે છે. નર્મદા યોજના આડેની અડચણો દૂર કરવા તેઓએ બાધા રાખી હતી. હવે નર્મદા ડેમ ખાતે ૩૦ દરવાજા લાગી ગયાં છે ત્યારે તેમની મનોકામના પૂર્ણ થઇ છે. સોમવારે તેમણે શૂલપાણેશ્વર મહાદેવની બાધા પૂરી કરી હતી. પંડિતોની હાજરીમાં મળસ્કે ૫ વાગ્યાથી લઘુરૂદ્રનો પ્રારંભ કરાયો હતો જે બપોરે એક વાગ્યા સુધી ચાલ્યો હતો.