સુરતઃ ઉનાળાની સિઝનમાં લગ્નનું આયોજન કરવું ખૂબ જ કપરું હોય છે. તેમાં પણ સૌથી વધુ કફોડી હાલત વર-કન્યાની થતી હોય છે. કારણ કે, તેમણે ભારેખમ વસ્ત્રો-ઘરેણા પહેર્યા હોય છે. ગરમીથી બચવા એક લગ્નમાં અનોખું આયોજન થયું હતું. ગત સપ્તાહે સુરતના સરસાણા વિસ્તારમાંથી પસાર થઈ રહેલા એક વરઘોડામાં અલગ પ્રકારનો મોબાઇલ મંડપ ઊભો કરાયો હતો, જેમાં જાન જેમ જેમ આગળ વધતી જાય તેમ તેમ આ મંડપ પણ તેમની સાથે સરકતો જતો હતો, જેથી કરીને વરરાજા સહિત જાનૈયાઓને આકરા તાપનો સામનો કરવો ન પડે. આ મંડપ વ્હીલ પર ચાલી રહ્યો હતો. મેટલ ફેબ્રિકેશનને વ્હીલ પર ફીટ કરીને ઉપરથી કાપડ સાથે કોર્ડન કરી લેવાયો હતો. અને બાજુ એ ગુલાબની દિવાલ બનાવવામાં આવી હતી. ૨૨૫ ચોરસ ફૂટ જેટલી સાઈઝના બોક્સ જેવા સાત અલગ અલગ મંડપ વ્હીલ પર ખડા ઊભા કરાયા હતા. જેમાં અગાઉના ત્રણેક મંડપમાં પુરુષો અને બેન્ડવાજાવાળા તથા પાછળના મંડપમાં મહિલાઓ હતી. વરઘોડો જેમ જેમ આગળ વધે તેમ તેમ મંડપ આગળ વધતો હતો. લોકો માટે આ ભારે કુતૂહલતા ભર્યું દૃશ્ય હતું. એક કિલોમીટર સુધી આ ‘મંડપ ઓન વ્હીલ’ ખેંચવા માટે રજવાડી ડ્રેસમાં ખાસ સ્ટાફ તૈનાત કરાયો હતો.