સુરત,બારડોલી: સુરત શહેર જિલ્લામાં નવમી ઓક્ટોબરે રાત્રે ગાજવીજ અને ચક્રવાત સાથે ધોધમાર વરસાદ તૂટી પડતાં જનજીવન થોડા સમય માટે ખોરવાઈ ગયું હતું. જિલ્લામાં અનેક વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા અને સમગ્ર જિલ્લામાં વીજ પુરવઠો ઠપ્પ થઈ ગયો હતો. માંડવીમાં ઘરોના છાપરા ઊડી ગયાં હતાં. સુરત સિટીમાં અનેક વિસ્તારોમાં ચક્કાજામ થઈ ગયો હતો. સોમવારે બપોર બાદ સુરત શહેર-જિલ્લામાં કાળા વાદળો છવાયા હતા અને ધોધમાર વરસાદ વરસવા માંડ્યો હતો. ચક્રવાત સાથે સતત બે કલાક વરસાદને પગલે બારડોલીથી માંડવી જતા રોડ પર અનેક વૃક્ષો તૂટી પડ્યાં હતાં. કડોદ રોડ પર વૃક્ષો તૂટી પડતાં વાહનવ્યવહારને અસર થઈ હતી. વરેઠ પેટીયા ગામે ચારેક ઘરોના પતરાં ઊડી ગયાના અહેવાલ છે. જ્યારે સમગ્ર જિલ્લામાં વીજળી ગુલ થઈ ગઈ હતી. વીજલાઈન રિપેરિંગનું કામ પણ વરસાદ-ચક્રવાતને લીધે મુશ્કેલ બન્યું હતું.
વડોદરા-ભરૂચ પંથકમાં વરસાદ
વડોદરા અને ભરૂચ જિલ્લામાં પણ સોમવારે મોડી સાંજે મેઘરાજાએ ઓચિંતી મહેર કરતાં નગરજનોને દિવસના ગરમી અને બફારાથી મુક્તિ મળી હતી. ભારે વરસાદે ચોમાસાના મધ્યાહનની યાદ તાજી કરાવી દીધી હતી. આ વરસાદથી કેટલાક પાકને ફાયદો થતાં ખેડૂતોમાં ખુશી છે. છોટાઉદેપુર વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે ગરમી થતા પ્રજા બેચેન બની ગઇ હતી. હવે ક્યારે શિયાળો આવે એની સૌ રાહ જુએ છે.
સોમવારે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં બપોરથી વાતાવરણમાં અચાનક પલટો દેખાતો હતો. આકાશમાં ગાજવીજ ચાલુ થઇ હતી. વરસાદ આવવાની શક્યતા જણાઇ રહી હતી. સાંજે એકાએક ગાજવીજ થઇ હતી. ક્વાંટ તથા છોટાઉદેપુરમાં ધમાકેદાર વરસાદ શરૂ થયો હતો. થોડીવારના વરસાદથી ઠંડક પ્રસરી ગઇ હતી. આકાશમાં વીજળીના ચમકારા ચાલુ રહ્યા હતા. ડભોઇ શહેર-તાલુકામાં અસહ્ય બાફ અને શરીર દઝાડતી ગરમી વચ્ચે સાંજના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવતાં થોડાક સમય પૂરતું વાવાઝોડું ફુંકાતાં વાતાવરણમાં રાહત વર્તાતી હતી. અલબત્ત, વીજળીના ચમકારા થતાં ખેડૂતો પાકની ચિંતામાં પડી ગયા હતા.