સુરતઃ લઘુમતિ સમુદાયનો એકેય પરિવાર ન રહેતો હોવા છતાં બ્રિટિશકાળથી મહંમદપોર નામ ધરાવતા ઓલપાડના આ ગામનું નામ બદલીને હવે રાજનગર કરવાનો નિર્ણય રાજ્ય સરકારે લીધો છે. ગ્રામજનો છેલ્લા વીસ વર્ષથી આ ગામનું નામ બદલવા માટે લડત ચલાવી રહ્યા હતા. મહંમદપોરમાં માત્ર રાજપૂત અને આદિવાસી પરિવારોની જ વસતી છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ ગામના નામના લીધે ગ્રામજનોએ ધાર્મિક તેમજ સામાજિક સમસ્યાનો સામનો કરવો પડતો હતો. મહંમદપોર નામના લીધે ગામમાં લઘુમતિ સમુદાયની વસતી હોવાની છબી ઉપસતી હતી તેથી ગ્રામજનોએ મહંમદપોર ગામના નામફેર માટે ઓલપાડ મામલતદાર કચેરીએ તથા ગાંધીનગર સુધી લેખિત રજૂઆત કરી હતી. પરિણામે રાજ્ય મહેસૂલ વિભાગે ૩૦મીએ સત્તાવાર જાહેરનામું બહાર પાડીને મહંમદપોર ગામને રાજનગર આપ્યું હતું.